વલસાડ, ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બાળકોમાં પતંગ ચઢાવવાની અને પકડવાની હોડ જામી છે. જાેકે ક્યારેક પતંગ પકડવાનો શોખ જીવલેણ બની જાય છે. દર વર્ષે અનેક બાળકો પતંગ પકડવાની લ્હાયમાં જીવ ગુમાવે છે અથવા તો ગંભીર અકસ્માતનો ભોગ બને છે. આવી જ એક દુર્ઘટના વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં બની હતી. જેમાં રવિવારે બપોરે પતંગ પકડવાની લ્હાયમાં ૧૦ વર્ષનો એક બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. વલસાડના ધોબી તળાવમાં રહેતો શિવનારાયન પ્રદીપ શર્મા ઉ.વ.૧૦, રવિવારે બપોરે ધોબી તળાવમાં કપાયેલી પતંગ લૂંટવા દોડ્યો હતો. જે દરમિયાન પહેલા માળેથી નીચે પટકાયો હતો. શિવનારાયન ધડાકાભેર પટકાતા અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. તેને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ શિવનારાયનના એક્સરે કરાવી સારવાર આગળ ધપાવી છે.