સૂર ના સજે ક્યા ગાઉં મૈં!
જેમ ગાવાવાળાને ક્યારેક સૂર સૂઝતા નથી તેમ લેખકોેને પણ કંઈક લખવું હોય છે પણ શબ્દો સૂઝતા નથી. ક્યારેક તે કલમ પકડીને બેસી રહે છે અને કાંઈ લખાતું નથી. અને ક્યારેક અન્ય કામમાં વ્યસ્ત હોય ત્યારે એવું સરસ સૂઝતું હોય છે પણ ત્યાં કલમ-કાગળ ન હોવાથી લખી શકાતું નથી. અને પછી તે વિસરાઈ જાય છે.
સ્ફુરણને સ્મૃતિમાં કેદ કરી શકાતું નથી. તેને તો તે ઘડીએ જ વહેવા દેવું જાેઈએ. આ વહેણમાં એક આનંદ છે. એ વહેણમાં ડુબકી મારનાર બધાને આનંદ મળે છે.
આ સ્ફુરણનું ઝરણું ક્યાંથી આવે છે? સાદી ભાષામાં કહીએ તો ભાવજગતમાંથી. આ ભાવજગત શું છે અને ક્યાં હોય છે?
ભગવાને મનુષ્યને મગજ નામમાં અંગની અનુપમ ભેટ આપી છે. એમાં મોટો ખજાનો છુપાયેલો છે. દુનિયાના બધા રહસ્યો તેમાં છુપાયેલા છે. હવે વિજ્ઞાન પણ તેમાં ઊંડુ ઉતરવા માંડ્યું છે અને તેના રહસ્યોને જાણવા પ્રયત્ન કરી રહ્યું છે.
વિજ્ઞાન કહે છે કે આપણાં બ્રેઈનના મુખ્ય બે ભાગ છે. જેને મીડ લેફ્ટ બ્રેઈન અને મીડ રાઈટ બ્રેઈન કહે છે. મીડ લેફ્ટ બ્રેઈન લોજીકલ બ્રેઈન અર્થાત તાર્કિક મગજ છે. ભાષાનું જ્ઞાન, તેનો ઉપયોગ, તર્ક-દલીલો કરવી વગેરે કામ આ બ્રેઈન કરે છે. બીજું મીડ રાઈટ બ્રેઈન છે તેમાં ખ્યાલો-કલ્પનાઓ, ઉચ્ચ પ્રકારની કળાઓ અને નિરપેક્ષ વિચારણાં કે કુદરતના નિયમાનું જ્ઞાન પડેલું છે.
આપણે જેને ભાવજગત કહીએ છીએ, વાસ્તવમાં આપણું કનેક્શન આ મીડ રાઈટ બ્રેઈન સાથે થાય છે ત્યારે ભાવજગતમાં પ્રવેશ મળે છે. કેટલાક લોકોમાં આ મગજનો ભાગ નૈસર્ગિક રીતે ખીલેલો હોય છે. એટલે તેઓ મહાન સંગીતકાર, સાહિત્યકાર , મહાન કવિ, શિલ્પકાર વગેરે બની શકે છે. અલબત્ત, જે ખ્યાલ કે કલ્પના આ મીડ રાઈટ બ્રેઈનમાં જન્મી હોય તેને વ્યક્ત કરવા ફરી મીડ લેફ્ટ બ્રેઈનનો જ ઉપયોગ કરવો પડે છે. કારણ કે ભાષા વગેરે ત્યાં પડેલા છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિનું મીડ રાઈટ બ્રેઈન સારું એવું વિકસિત હોય છે, પણ સાથે મીડ લેફ્ટ બ્રેઈન એટલું વિકસિત નથી હોતું તો વ્યક્તિ ભાવ કે કળાની અભિવ્યક્તિ ઉત્તમ રીતે કરી શકતી નથી. મજાની વાત એછે કે બંને બ્રેઈન્સમે કેટલીક ટેકનીક્સ દ્વારા અને યોગાભ્યાસ દ્વારા વિકસિત કરી શકાય છે.
આ મીડ રાઈડ બ્રેઈન સાથે પધ્ધતિસર તો જાેડાઈ શકાય છે પરંતુ કેટલાક લોકોને રાત્રે નિંદ્રામાં મગજની શાંત અવસ્થામાં આપમેળે જ્ઞાન અવતરે છે. મહાન ગણિતશાસ્ત્રી આર્કિમીડીઝ બાથરૂમમાં નહાતો હતો ત્યારે અચાનક તેને એક ફોમ્ર્યુલા હાથ લાગી હતી અને તે ‘યુરેકા’ કહેતો નગ્ન અવસ્થામાં બહાર દોડી આવ્યો હતો. આઈસ્ટાઈનને ઘણા ઈક્વેશન આ રીતે જ પ્રાપ્ત થયા હતા. એક ઈન્ટરવ્યુમાં સંગીતકાર નૌશાદે કહ્યું હતું કે એક તરજ તેમને ઊંઘમાંથી પ્રાપ્ત થઈ હતી.
કેટલાક બાળકો બાળપણમાં કોઈક કળામાં રસ લેતા હોય છે. એ કળામાં ઊંડા ઉતરવા માટે પોટેન્શિયલ પણ હોય છે. પણ તેઓ આગળ વધી શકતા નથી.તેનું કારણ શું?
કોઈ પણ કળાના વિકાસ માટે યોગ્ય શિક્ષણ અને વાતાવરણ બહુ ભાગ ભજવે છે. કોઈક બાળકમાં પ્રતિભા તો હોય છે પણ ઘરનું અને સમાજનું વાતાવરણ એટલું દુષિત હોય છે કે બાળક આગળ વધી શકતું નથી.કેટલીક જગ્યાએ તો મારપીટ થતી હોય છે. જ્યારે બાળકમાં ડર ઘુસી જાય છે પછી તેનો વિકાસ અટકી જાય છે. બાળકનો ઉછેર એટલે એક ફુલના ઉછેર બરાબર છે. બાળક પર જુલ્મના કારણે બાળકરૂપી ફુલ મુરઝાઈ જાય છે.
આપણને એમ પુછવામાં આવે કે જીવનનો ક્યો તબક્કો સૌથી સારો? સૌથી ખુશહાલ? તો આપણે કહાશું કે બાળપણ જીવનનો શ્રેષ્ઠ તબક્કો છે. અને તેના કારણમાં કહીશું કે બાળપણમાં કોઈ જવાબદારી હોતી નથી. બાળપણમાં ખેલવા કુદવાનું મળતું હોય છે વગેરે.
અધ્યાત્મ પણ આ પ્રશ્નનો આ જ ઉત્તર આપે છે, પણ કારણ નિતાંત ભિન્ન અને આશ્ચર્યકારક છે. કદાચ તમે ક્યાંક સાંભળ્યું નહીં હોય કે બાળક જ્યારે સાવ નાનું હોય છે(લગભગ ૨૭ મહિના સુધી) ત્યારે તે તેના આત્માના સતત સંપર્કમાં હોય છે. બાળક આપણને આખો દિવસ ઉંઘતું હોય તેવું દેખાય છે પણ તે એક નૈસર્ગિક સમાધિમાં હોય છે. અને તેના આત્માના સંપર્કમાં હોય છે એટલે જ બાળકનો ઝડપી વિકાસ થતો હોય છે.
જે આત્માને પ્રાપ્ત કરવા ઋષિમુનિઓ વન-ઉપવનમાં રહેતા. કેટલાય રાજાઓ આત્મપ્રાપ્તિ માટે પોતાના રાજપાટ ત્યજી દેતા હતા તે આત્મા સ્વયં એક બાળકના સંપર્કમાં રહે છે તેનાથી મોટી વાત બાળક માટે શું હોઈ શકે?
પણ કમનસીબી એ છે કે બાળક લગભગ ૨૭ મહિના પછી સમજણું થતું જાય છે, ત્યારે તે મા-બાપના ઝઘડા જુએ છે, શ્કુલમાં શિક્ષકોની ફડકાર પામે છે. મોટા છોકરાઓની દાદાગીરી જુએ છે. એટલે તેના આત્મા સાથેનો સંપર્ક તુટી જાય છે અને તે સામાન્ય બની જાય છે.