આફ્રિકાના માલાવી દેશના બાળકે વિજ્ઞાનથી વાયુદેવને ‘રિઝવ્યા’

આફ્રિકાની ચીચેવા ભાષામાં એક કહેવત છે 'એનગતી એમપ્હેપો યોફીકા કોન્સે’ અર્થાત પવન ભગવાન છે જે દેખાતો નથી પણ તે બધે પહોંચી શકે છે,તે બધાનો સ્પર્શ કરી શકે છે. આપણે પણ વાયુને દેવની ઉપમા આપી છે. માણસ જયારે બધેથી નાસીપાસ થઇ જાય ત્યારે દેવતાઓની ઉપાસના કરે છે, ભગવાનનો આશરો શોધે છે.

આફ્રિકા ખંડમાં પૂર્વ ભાગમાં માલાવી દેશ આવેલો છે. અત્યંત ગરીબ માલાવીમાં પચાસ હજારની વસ્તી ધરાવતું કાસુંગુ નગર છે. એક ચૌદ વર્ષના બાળક વિલિયમ કામકામ્બવાએ જન્મથી સાંભળ્યું હતું કે પવન ભગવાન છે. કાસુંગુંમાં ચેવાની જાતિના લોકો વસવાટ કરે છે. જે પશુપાલન અને ખેતી ઉપર નભે છે. કાસૂંગુના લોકોના જીવનનો તમામ આધાર ચોમાસા ઉપર રહે છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે માલાવીમાં ચોમાસુ અણધાર્યું રહેતું હોય છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળની અસર વર્તાય છે. બંને સ્થિતિમાં કાસુંગુંના લોકોની ખેતીને અસર થતી. લોકો ભૂખમરાથી પ્રભાવિત થતા. જંગલ વચ્ચે આવેલા કાસુંગુમાં હજુ વીજળી પહોંચી નથી. નગરની આસપાસ વહેતી નદી નથી. સરકાર પાણી પુરવઠાની કોઈ યોજના આપી શકી નથી. દૂર દૂર સુધી પાણી પુરવઠાની યોજનાનું નામોનિશાન નથી. ગરીબ આફ્રિકન દેશ માલાવીના લોકો આવી અસાધારણ વેદના વર્ષોથી સહન કરતા. અતિશય ભૂખમરામાં વિદેશથી અનાજની થોડી મદદ આવે તે લોકોને મળતી.

કાસુંગુંમાં રહેતા ચૌદ વર્ષના વિલિયમ કામકામ્બવાનો પરિવાર પણ ખેતી ઉપર નભતો. ખેતીમાંથી આવક થતી નહતી જેથી માતા-પિતા શાળાની ફી નહીં ભરી શકતા વિલિયમે શિક્ષણ છોડવું પડ્યું. અભ્યાસ છોડીને તેણે પિતાને ખેતીમાં મદદ કરવાનું શરુ કર્યું. પણ દેવું કરીને વાવેલું બિયારણ અતિવૃષ્ટિએ તબાહ કરી નાખ્યું. સ્થિતિ બદથી બદતર બની ગઈ. વિલિયમના પરિવારની જેમ આખું કાસુંગુ નગર ભૂખમરાના પ્રભાવમાં આવી ગયું. હવે આવતા વર્ષે સારો વરસાદ થાય જેમાંથી અનાજ પાકે તેની રાહ જાેવાની હતી. કાસુંગુંના લોકો સદીઓથી તેવું જ કરતા આવ્યા હતા. પરંતુ વિલિયમને કોઈપણ રીતે ભુખમરામાંથી બહાર નીકળવા રસ્તો જાેઈતો હતો. ખેતી માટે પાણીની જરૂર હતી જે સિંચાઈ દ્વારા જ મેળવી શકાય. સિંચાઈ માટે વીજળીની જરૂર હોય જે ગામમાં પહોંચી નહતી. જેથી આ તમામ પ્રશ્નોનો ઉકેલ કાઢવા વિલિયમનું મગજ ચકરાવે ચઢ્યું.

શાળામાં હતો ત્યારે વિલિયમે એક વાર પવનચક્કી વિષે પુસ્તક વાંચ્યું હતું. શાળામાંથી દાખલો કાઢી લીધો હતો પરંતુ શાળાની લાયબ્રેરીમાં મૂકેલું પવનચક્કી અને ડાયનેમોનું પુસ્તક તેને યાદ હતું. તેણે વિજ્ઞાનના શિક્ષકને વિનંતી કરી લાયબ્રેરીમાં પ્રવેશવાની મંજૂરી મેળવી લીધી. લાયબ્રેરીમાં કલાકો સુધી પુસ્તકોનું અધ્યયન કરી વિલિયમે ચુંબકના ઉપયોગથી ડાયનેમો કેવી રીતે બનાવવો અને પવનચક્કીની મદદથી ડાયનેમમાંથી વીજળી ઉત્પાદિત કરવી તે શીખી લીધું.

હવે જરૂર હતી પવનચક્કી બનાવવાની. કાસુંગું નજીક આવેલા ગાડીઓના ભંગારવાડામાં નકામા પડેલા સામાનમાંથી વિલિયમે જરૂરી સામાન ભેગો કર્યો. ઘરે લઈ જઈને સામાનમાંથી પવનચક્કી બનાવી. વાહનોના ભંગારમાંથી મળેલા ચુંબકથી ડાયનેમો બનાવી બેટરી સાથે જાેડ્યો. ઘરની નજીક આવેલા કુવાની પાળ ઉપર મોટર ગોઠવી. જેના છેડા બેટરી સાથે જાેડ્યાં. બેટરી ચાર્જ કરવા પવનચક્કી સાથે જાેડેલા ડાયનેમોનો સહારો લીધો. વિલિયમના આ પ્રયોગને જાેવા આખું દુકાળગ્રસ્ત નગર ભેગું થયું. પવનચક્કી ઘુમવા લાગી. કલાકો સુધી કોઈ પરિણામ ન મળ્યું. પરંતુ વિલિયમને પોતાના સેટઅપ ઉપર પૂરો ભરોસો હતો. તેણે વાંસની પટ્ટીઓને ખેતરમાં ગોઠવવા લાગી જેથી પાણી આવે તો તેના સહારે ખેતરમાં સિંચાઈ કરી શકાય. વિલિયમનો પરિવાર ખેતરમાં વાંસની પટ્ટીઓ ગોઠવી રહ્યો હતો કે મોટર ચાલુ થવાનો અવાજ આવ્યો. થોડી સેકન્ડમાં કુવામાં ઉતારેલી મોટરની પાઇપ પાણી બહાર ફેંકવા લાગી.

માત્ર ચૌદ વર્ષના વિલિયમે ગામમાં સિંચાઈ યોજના શરુ કરવાનો ચમત્કાર કરી બતાવ્યો હતો. પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરી ભૂગર્ભમાંથી પાણી ખેતર સુધી ખેંચી લાવી વિલિયમે કાસુંગું નગરના લોકોના ભૂખમરાનો કાયમી ઉકેલ લાવી આપ્યો હતો. કાસુંગુંના લોકો પવનને દેવતા બનાવીને પૂજતા હતા પણ ભૂખમરાના અભિશાપને દૂર કરવા વિલિયમે વાયુદેવતાના આશીર્વાદને સફળતામાં તબદીલ કર્યા હતા. આજે આવી પવનચક્કીઓ માલાવી દેશમાં ગામેગામમાં ગરીબી અને ભૂખમરો દૂર કરવા હાથવગું સાધન બનીને ઉભી હોવાનું જાેવા મળી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution