મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના વતની બાળકનું દાદી સાથે પુનઃસ્થાપન કરાવાયું

આણંદ : અરે દીકરા કોણ છે તું અને રેલવે સ્ટેશન પર કેમ ફરી રહ્યો છે? તું અહીં ઘણાં સમયથી જાેવાં મળી રહ્યો છે. તારે તારાં ઘરે નથી જવાનું? તારાં પરિવારજનો તારી રાહ જાેતાં હશે! આ શબ્દો નડિયાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધિકારી દ્વારા રેલવે સ્ટેશન પર ફરી રહેલાં એક અજાણ્યાં બાળકને પૂછતાં, બાળકે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. અધિકારીને શંકા ગઈ હતી અને પછી શરૂ થઈ હતી બાળકના પરિવારની શોધખોળ.  

મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર જિલ્લામાં આ બાળક માતા-પિતાનું અવસાન થતાં દાદી અને કાકા સાથે રહેતો હતો, પરંતુ ઘરમાં રોજે રોજના ઝઘડાંને કારણે તેને પરિવારજનો દ્વારા વારંવાર ઠપકો મળતાં તેણે ઘર છોડવાનો રસ્તો અપનાવ્યો હતો. જે બાદ તે નડિયાદ આવી પહોંચ્યો હતો. નડિયાદ રેલવે સ્ટેશન પરથી ચાઇલ્ડ લાઇન અને વેલ્ફેર કમિટીને આ અજાણ્યો બાળક મળી આવતાં આ બાળકને આણંદ જિલ્લાના ચિલ્ડ્રન હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ બાળકને ચિલ્ડ્રન ફોર બોયઝ વિદ્યાનગરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.

આ બાળકને આશ્રય આપ્યાં બાદ સંસ્થા દ્વારા બાળકનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું, જેમાં બાળકને તેનાં પરિવાર અંગે અને તે કયાંનો વતની છે તે અંગે પૂછપરછ કરવામાં આવતી હતી. સંસ્થા દ્વારા બાળકનું સતત કાઉન્સેલિંગ કરતા છેવટે બાળકે મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુર જિલ્લાનો વતની હોવાનું જણાવ્યું હતું. બાળક પાસેથી મળેલી વિગતના આધારે બાળકના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા, પરંતુ બાળકના કુટુંબીજનોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમજ કોરોના મહામારીને લીધે રોજગારીનો સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાથી તેઓ બાળકને લેવા આવવા માટે તૈયાર ન હતાં, જેથી બાળકને તેનાં પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવાની કામગીરીમાં થોડો વિલંબ થયો હતો.

આ બાળકને તેનાં પરિવાર સુધી કોઈ પણ રીતે પહોંચાડવા જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર અને સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) જીગીશા ઝાલાએ સતત પ્રયાસો શરૂ કર્યા હતાં. નાગપુર ચાઇલ્ડ વેલફેર કમિટી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સતત સંપર્ક અને સંવાદ તેમજ પત્રવ્યવહાર કરીને બાળકને કચેરીના સ્ટાફ અને પોલીસ એસ્કોર્ટ સાથે મૂકવા આવવાની તેમજ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી દ્વારા પણ આ બાળકને મુકવા જવાની મંજૂરી મેળવવામાં આવી હતી.

આ મંજૂરી મળતાં જ બાળકને તા.૧૦ નવેમ્બરના રોજ ટ્રેન મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમના જીમી પરમાર, સુરક્ષા અધિકારી, બિનસંસ્થાકીય સંભાળ દ્વારા પોલીસ એસ્કોર્ટ સાથે તેનાં પરિવાર સાથે પુનઃસ્થાપન માટે નાગપુર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ચાઇલ્ડ લાઇન વેલફેર કમિટીના ચેરમેન, સભ્યો અને જિલ્લા બાળસુરક્ષા અધિકારીની ઉપસ્થિતિમાં બાળકને સલામત રીતે તેનાં દાદીને સોંપવામાં આવ્યો હતો. અંદાજે ૨ મહિના બાદ પોતાના પૌત્રને જાેતાં જ દાદીની આંખોમાં ખુશીના આંસુઓ વહેવા માંડ્યાં હતાં. તેઓ ભાવવિભોર બની ગયાં હતાં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution