નીટ કૌભાંડ જેવી ઘટના ભવિષ્યમાં ફરીથી ન બને તે માટે સમગ્ર માળખામાં પરિવર્તન જરૂરી

તંત્રીલેખ | 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) દ્વારા મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના બાદ પરીક્ષા રદ કરવાની ફરજ પડવી એ એજન્સીની પ્રતિષ્ઠા માટે બીજાે ફટકો છે. બે વર્ષ પહેલા જેઈઈની પરીક્ષામાં આવું જ કૌભાંડ થયું હતુ ત્યારે સરકારે જાતે જ કડક કાર્યવાહી કરી હતી. તેનાથી વિપરિત આ વર્ષે નીટની પરીક્ષામાં ગેરરીતિ પર સરકારે ઢાંકપિછોડો કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ અદાલતની દરમ્યાનગીરી અને વિદ્યારથીઓના ઉગ્ર આંદોલનના પગલે નછુટકે કાર્યવાહી કરી છે. ૨૦૨૨માં જેઈઈની પરીક્ષાના પરિણામમાં ગેરરીતિ થતાં ગૃહ મંત્રાલયની સાયબર ક્રાઈમ ટીમ પાસેથી મળેલી માહિતીના આધારે, ઉમેદવારો તરફથી કોઈપણ ઔપચારિક ફરિયાદ વિના, શિક્ષણ મંત્રાલયે જાતે જ કાર્યવાહી કરી હતી. નીટના કેસથી આ વિપરીત છે, જ્યાં પેપર લીકના અનેક આરોપો અને પોલીસ ફરિયાદો હોવા છતાં, તે ભીનું સંકેલવા કોશીશ કરે છે. જાેકે મંત્રાલયે તરત જ નીટની પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષા લેવાનું વચન આપ્યું અને સીબીઆઈને આ બાબતની તપાસ કરવા કહ્યું છે, પરંતુ તે અગાઉ જેઈઈની જેમ સમાન તપાસ માટે નીટના ઉમેદવારોની સતત માંગ પર ધ્યાન આપી રહ્યું નથી. જાે કે, નવ લાખથી વધુ નીટના ઉમેદવારો જેમણે મહિનાઓ સુધી અભ્યાસ કર્યો, અને પછી તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરી અને કેટલાકે તો આ ખર્ચ ઉઠાવવા માટે લોન પણ લીધી છે તેમણે કરેલી મહેનત તો એળે જ ગઈ છે.

આ યુવાનોના પ્રશ્નોના સરકાર પાસે કોઈ જવાબ નથી. સરકારના શિક્ષણ સંસ્થાનમાં કોઈ એ સમજાવી શક્યું ન હતું કે નીટ એ ૨૦૧૮ સુધી સીબીએસસી દ્વારા લેવામાં આવતી ઑફલાઇન પરીક્ષા હતી, જે એનટીએના હાથમાં આવ્યા પછી ઑનલાઇન પરીક્ષા બની હતી, પરંતુ આ વર્ષે તેને ફરીથી ઓફલાઈન પરીક્ષામાં બદલવામાં આવી હતી. આ ફેરફારનું કારણ એજન્સી સમજાવી શકી નથી. એનટીએ ઉમેદવારોની નજરમાં ફરી વિશ્વસનીયતા પ્રાપ્ત કરી શકે તેવી કોઈપણ આશાની ચાવી હાલમાં દેખાતી નથી. આવી ઘટના ફરી વખત ન બને તે માટે સમગ્ર સિસ્ટમ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ તે થતું નથી. કઈ જગ્યાએ ટેકનિકલ ખામીઓ રહી ગઈ તે ચકાસીને ભવિષ્યમાં તે ન થાય તે માટે સુધારો કરવો જાેઈએ. વારંવાર થતી છેતરપિંડી અને કૌભાંડો, પેપર લીક અને સ્યુડો-ઉમેદવારો બનવા જેવી ઘટનાઓ ફરીથી ન થવા દેવા નિયમોમાં અને વ્યવસ્થામાં જે જરૂરી ફેરફાર કરવા જાેઈએ,તેના પર અને એનટીએની સિસ્ટમ્સ સુધારવા પર સરકારે વિચારવું જાેઈએ. ભારતના લાખો શિક્ષિત યુવાનો અને સૌથી યુવા મતદારોનું ભાવિ દાવ પર લાગેલું હોવાથી, પરીક્ષણ એજન્સીની નિષ્ફળતા એક ગરમ રાજકીય મુદ્દો બની જાય તે આશ્ચર્યજનક નથી. કેટલાક વિપક્ષી નેતાઓએ એનટીએને ભંગ કરીને રાજ્યોને પ્રવેશ પરીક્ષાઓની જવાબદારી સોંપવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારની કેન્દ્રીયકરણની મહેચ્છાના કારણે પરીક્ષાઓ એટલા મોટા પાયા પર લેવામાં આવે છે કે દૂરના વિસ્તારોમાં તેનું સંચાલન કરવું મુશ્કેલ છે. પરંતુ રાજ્યસ્તરે પરીક્ષાનું સંચાલન કરવાથી ગેરરીતિ નહીં થાય તેની કોઈ ખાતરી નથી.

આનો કાયમી ઉકેલ શોધવાની જરૂર છે. જે માટે એનટીએના સમગ્ર માળખામાં પરિવર્તન કરવું પડે તો તે કરવા માટે પણ સરકારે તૈયારી દર્શાવવી જાેઈએ. કારણ કે આ પ્રશ્ન શિક્ષણ સાથે, ભાવિ તબીબોના કૌશલ્ય સાથે અને તેના દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલો છે.

ભ્રષ્ટાચાર એ દેશને કોરી ખાતી ઉધઈ છે અને તેમાં પણ શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર અસરો દેશના ભવિષ્ય પર પડે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution