લખનૌ-
યમુના એક્સપ્રેસ વે પર પૂરપાટ જતી એક કાર તેલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ જતાં સાત જેટલા લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. માર્યા ગયેલા લોકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મથુરાના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પુલિસ ગૌરવ ગ્રોવરે કહ્યું હતું કે, મંગળવારે મોડી સાંજે આ કાર ટેન્કર સાથે અથડાઈ હતી. નૌજીલ પોલીસ થાણા પાસે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ ટેન્કર આગરા તરફ જતું હતું અને સામેથી આવી રહેલી કાર ટેન્કર અને ડિવાઈડર વચ્ચે ફસાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ડ્રાઈવરની સીધી ટક્કર ટેન્કર સાથે થઈ હતી. કારમાં સવાર તમામ સાત જણાનાં કમકમાટીભર્યા મોત થયા હતા અને આ કરૂણ અકસ્માતની તેમના સ્વજનોને જાણ કરી દેવાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલાઓના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે અને બનાવની વધુ તપાસ ચાલુ છે.