કાબુલમાં શાળા બહાર બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 68 થઈ,150થી વધુ ઘાયલ

કાબુલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના પશ્ચિમ વિસ્તારમાં એક પછી એક ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૬૮ થઈ ગઈ છે. જ્યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે, તેમાંના મોટાભાગના લોકોની હાલત ગંભીર છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફે આ હુમલો કરવાનો આરોપ તાલિબાન પર લગાવ્યો છે. જ્યારે, હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અહીં, તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે આ હુમલામાં તાલિબાનનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને આ ઘટનાની નિંદા કરી હતી.


મળતી માહિતી મુજબ ઘટના સમયે શાળા છૂટી હતી. ત્યાર બાદ છોકરીઓ શાળામાંથી બહાર નીકળી રહી હતી. શાળાના એક શિક્ષકે દાવો કર્યો હતો કે પહેલા એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પછી વધુ બે બોમ્બ બ્લાસ્ટ થયા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રોકેટ દ્વારા કરવામાં આવેલો હુમલો છે. સાથે જ એક વ્યક્તિએ નામ ન જાહેર કરવા પર ન્યૂઝ એજન્સીને જણાવ્યુ હતું કે, બોમ્બ બ્લાસ્ટ શાળાના પ્રવેશદ્વારની બહાર એક કારમાં થયો હતો. આ તરફ શિક્ષણ મંત્રાલયના પ્રવક્તા નજીબા એરિયને જણાવ્યું હતું કે સૈયદ ઉલ શુહાદા હાઇસ્કૂલમાં ત્રણ પાળીમાં અભ્યાસ કરે છે. બીજી પાળી છોકરીઓ માટે લાગે છે. ઘાયલ અને મૃત્યુ થયેલમાં છોકરીઓ વધુ છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઘટનાથી ખુલાસો થયો છે કે તાલિબાન કોઈ પણ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માંગતા નથી. તે આ મુદ્દાને હલ કરવાને બદલે જટિલ બનાવી રહ્યા છે. આ સાથે જ યુએસ એમ્બેસેડર રોસ વિલસને પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું હતું કે બાળકો પર હુમલો એ અફઘાનિસ્તાનના ભવિષ્ય પર હુમલો છે. આ સહન કરી શકાય તેવું નથી.

૨૦ વર્ષ લાંબી અને ખર્ચાળ યુદ્ધ પછી અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી તેમના વતન પરત ફરી રહી છે. અલ કાયદાના ૯/૧૧ ના હુમલા પછી ૨૦૦૧માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સેના ઉતારી હતી. આ યુદ્ધમાં અમેરિકાએ ૨૪૦૦ સૈનિકો ગુમાવ્યા હતા. હવે દેશની સુરક્ષા અફઘાન દળો પાસે છે. આવી સ્થિતીમાં દેશમાં સ્થિતિ વધુ વણસવાનો ભય ફરી સતાવવા લાગ્યો છે. લોકો ફરી તાલિબાનના શાસનના દિવસોમાં પરત ફરવાની આશંકાથી ભયભીત છે.

અફઘાનિસ્તાનમાં હજી પણ અફઘાની તાલિબાન અને પાકિસ્તાની તાલિબાન સક્રિય છે અફઘાનની ૬૦% જમીન પર તેનો પ્રભાવ છે. તેના આતંકીઓ વારંવાર અફઘાન સૈન્ય પર હુમલો કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution