ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ મશીનથી જે કાંસ સાફ જ નથી થયો તેનું પણ બિલ મુકાયું?

વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલેઇન મશીનથી પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી અને તેનું ૧૬ લાખનું બિલ ચૂકવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. ત્યારે જે કાંસનું સફાઈ કામ જ નથી થયું તેનો પણ ઉલ્લેખ કરી બિલ મંજુર કરવાની દરખાસ્ત મુકવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નગરસેવક દ્વારા કરવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. અને તેના બીલો મંજુર કરવામાં આવે છે. આ વર્ષે કાંસની સફાઈ માટે ખાસ ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલેઇન મશીન મંગાવવામાં આવ્યું હતું અને તેના દ્વારા વિવિધ કાંસની સાફ સફાઈ કરવામાં આવી હતી. ૨ દિવસ સુધી આ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના રૂ. ૧૬.૪૪ લાખ ચુકવવાની દરખાસ્ત સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મુકવામાં આવી છે. જાે કે આ અંગે કોંગ્રેસના નગરસેવક પુષ્પા વાઘેલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ભૂખી કાંસની સફાઈ કરવામાં આવી જ નથી. તેમ છતાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉઠાવેલા સવાલો બાદ ખરેખર આ મશીનથી કામગીરી કરાઈ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.

ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ પોકલેઇન મશીન કાંસમાં જઈ શકે તેમ જ નથી ઃ પુષ્પા વાઘેલા

કોંગ્રેસના નગરસેવક પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે, ડ્રેઇન માસ્ટર ફ્લોટીંગ પોકલેઇન મશીનથી પ્રાયોગીક ધોરણે ભુખી, મસીયા તથા રૂપારેલ કાંસમાં આ મશીન પાણીમાં ઉતારી સફાઇ કરી છે તેનુ ચુકવણુ કરવાની દરખાસ્ત આવતી કાલે મળનાર સ્થાયી સમિતિમાં રજુ થયેલી છે. જેમાં ટોટલ રૂ.૧૬.૪૪ લાખ નો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે અમારા વિસ્તારમાં વોર્ડ.૧ અને ૨ માં ભુખીકાંસ પસાર થાય છે જે નેચરલ કાંસના બદલે બિલ્ડરોના પાપે સાંકડી થઇ ગઇ છે. અમુક જગ્યાએ પાક્કો કાંસ અમુક જગ્યાએ ખુલ્લો કાંસ અને અમુક જગ્યાએ બંધ છે તેમાં આટલુ પહોળુ ડ્રેઇન માસ્ટર ફ્લોટીંગ પોકલેઇન મશીન જાય તેમ ન હોય જે એકપણ દિવસ કામગીરી અર્થે થઇ જ નથી. ત્યારે આમ મોટા પાયે ભ્રષ્ટાચાર જણાઈ રહ્યો છે.

ભૂખી કાંસમાં કામ થયું નથી પરંતુ કામ માટે મશીન સ્ટેન્ડ બાય હતું ઃ ચેરમેન

કોંગ્રેસના નગરસેવિકાના આક્ષેપ સંદર્ભે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન વિવિધ કાંસની સફાઈ કરાઈ હતી. ભૂખી કાંસની પણ સફાઈ કરવાની હતી તે થઇ નથી પરંતુ તેની સફાઈ માટે બે - ત્રણ દિવસ મશીન રાખવામાં આવ્યું હતું. જાે કે હજુ સુધી બીલ ચુકવાયું નથી. બેઠકમાં આ અંગેની પૂરતી ચકાસણી કરવામાં આવશે. એક પણ પૈસો ખોટો નહિ જવા દઈએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution