બંધ થવાના આરે આવેલી બેસ્ટ-બાય કંપની ટોપ બ્રાન્ડ બની

લેટિન ભાષામાં કહેવત છે કે દરિયામાં હોડી ઉતારતી વખતે માત્ર સઢ ઉપર ભરોસો ન રખાય, સાથે હલેસા પણ રાખવા પડે છે. આ રુલ બિઝનેસમાં પણ લાગુ પડે છે. કારણ કે સ્થાપિત થઇ ગયેલા સફળ બિઝનેસમાં પણ ક્યારેક અણધાર્યા પડકારો આવી જતા હોય છે. જે માટે હંમેશા તૈયાર રેહવું પડે છે. આવો પડકાર ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના વેચાણમાં માંધાતા ગણાતી બેસ્ટ-બાય રીટેલ ચેઇન કંપનીને પણ આવ્યો હતો. હરીફો સાથે સ્પર્ધામાં અચાનક આવી ગયેલા ડાઉનફોલમાંથી બહાર નીકળવા કંપનીએ બનાવેલી અસરકારક સ્ટ્રેટેજી બનાવી હતી.

હોમ એપ્લાયન્સિસ અને ઇલેક્ટ્રિકલ ગેઝેટ્‌સનું રીટેલ વેચાણ કરતી બેસ્ટ-બાય કંપનીના દુનિયાભરમાં ચાર હજાર જેટલા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ હતા. વર્ષ ૨૦૦૯માં કંપનીમાં પોણા બે લાખ કર્મચારીઓ કામ કરતા હતા. સતત સફળતાના શિખરો સર કરી રહેલી બેસ્ટ-બાયનો ચોખ્ખો નફો વર્ષ ૨૦૧૧માં ૧.૨ બિલિયન ડોલર હતો. કંપની પાસે ૪૫ બિલિયન ડોલરનો સ્ટોક હતો. અમેઝોન રીટેલ માર્કેટમાં લોન્ચ થતા બેસ્ટ-બાયના પ્રોડક્ટ સેલિંગને વર્ષ ૨૦૧૨માં મોટો આંચકો લાગ્યો. હજારો રીટેલ સ્ટોર હોવા છતાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્‌સનું વેચાણ અચાનક જ ઘટવા લાગ્યું. માત્ર એક ક્વાર્ટરમાં જ કંપનીના આઉટલેટ્‌સમાં સેલ્સનો આંક તળીયે આવી ગયો. કંપની આર્થિક સંકડામણમાં આવી ગઈ. એમેઝોનની કોમ્પીટીટર તરીકે એન્ટ્રી થયા પછી સમયની માર્કેટ લીડર બેસ્ટ-બાય માત્ર ત્રણ માસમાં જ ઊંધા માથે પછડાઈ. કંપનીના શેરની કિંમત ૨૧૧ ડોલરથી ઘટીને માત્ર ૨૫ ડોલર થઈ ગઈ. ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં તો તેવું લાગવા લાગ્યું કે હવે બેસ્ટ-બાયનો અંત નજીક છે.

થોડા મહિના અગાઉ જ વિશ્વની ટોપ રીટેલ બ્રાન્ડ ગણાતી બેસ્ટ-બાય બંધ થવાને આરે આવી ગઈ હતી. ત્યારે તેની કમાન હ્યુબર્ટ જાેલીએ સંભાળી. જાેલી બેસ્ટ-બ્રાન્ડના સીઈઓ બન્યા પરંતુ કંપની મુશ્કેલ સમયમાં હતી. માત્ર બે વિકલ્પ બચ્યા હતા કે કંપનીને બંધ કરવી અથવા બચાવવા માટે અસરકારક સ્ટ્રેટેજી તાત્કાલિક અમલમાં લાવવી, કંપનીનો ખર્ચ ઘટાડવા કર્મચારીઓની છટણી અનિવાર્ય લાગતી હતી. પરંતુ જાેલીએ કર્મચારીની છટણી કરવાને બદલે તેમને રૂબરૂ મળી રસ્તો કાઢવાનો ર્નિણય લીધો. જાેલી સ્ટોર્સ ઉપર જઈ કર્મચારીઓને મળ્યા અને ત્રણ પ્રશ્નો પૂછ્યા કે અહીં તમે શું કામ કરો છો ? તમે આજ સુધી કરતા આવ્યા છો તેનાથી અલગ શું કરી શકશો ? અને તે માટે હું તમને કેવી રીતે મદદ કરી શકું ?

નાણાકીય પરિસ્થિતિ મુશ્કેલ હોવા છતાં જાેલીએ કર્મચારીઓને કંપની ઉપર વિશ્વાસ જાળવી રાખવા તૈયાર કર્યા. આઠ અઠવાડિયાના કાર્યકાળમાં જાેલીએ કર્મચારીઓ સાથે ઘરોબો કેળવી લીધો. તેમણે કર્મચારીઓ માટે ‘રિન્યુ બ્લુ’ નામની યોજના શરુ કરી, રિટેલ ઉદ્યોગ ઉપર એમેઝોને પ્રભુત્વ જમાવી દીધું હતું. બેસ્ટ-બાયને બેઠી કરવા કંઈક વિશેષ કરવાની જરૂર હતી. જાેલીએ નક્કી કર્યું કે હવે એમેઝોનથી કંઈક અલગ ઓફર કરીને જ ગ્રાહકોને આકર્ષી શકાશે.

બેસ્ટ બાયએ સ્ટોર્સમાં સેમસંગ અને એપલ સાથે ભાગીદારી કરી અને ગ્રાહકોને ઇન્સ્ટોલેશન અને રીપેરીંગ માટે ઘરે જઈને સર્વિસ આપવાનું શરુ કર્યું.

જાેલીએ ચાર કર્મચારીઓની ચાર ટીમ બનાવી. બેસ્ટ-બાય સૌપ્રથમ વાર ઓનલાઇન પ્રોડક્ટ સેલિંગનું કામ શરુ કર્યું. જેની જવાબદારી એક ટીમને આપી. પ્રોડક્ટ્‌નું ઓનલાઇન સેલિંગ કરતી ટીમે વેબસાઈટ ઉપરથી ૧૫ બિલિયન ડોલરની કિંમતના ટીવી વેચ્યા. બીજી ટીમ સ્ટોર્સમાં કોસ્ટ કટિંગ કરી ગેઝેટ્‌સને થતા નુકસાનને રોકવા કામે લગાવી. કારણ કે ઓનલાઇન વેચાતા ટીવી લાંબા અને પાતળા હતા. ટ્રાન્સપોર્ટેશનમાં ઘણા બધા ટીવી તૂટી જવાથી નુકસાન થતું. બેસ્ટ બાયએ આવા નુકસાનની સંભાવના ઘટાડવા માટે સપ્લાયર્સ, સપ્લાય ચેઇન અને સ્ટોર્સમાં સહયોગીઓને એક સાથે કરી કોઓર્ડીનેશન સેટ કર્યું. પરિણામે દર વર્ષે બસ્સો મિલિયન ડોલરની બચત થઇ.

ત્રીજી ટીમને કંપનીના કર્મચારીઓના લાભનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપાઈ. કર્મચારી તથા પરિવારને મેડિકલના લાભ ઉપરાંત કર્મચારીઓ વચ્ચે હકારાત્મક સ્પર્ધા માટે સ્કીમ મુકવામાં આવી. સારું કામ કરનાર કર્મચારીને ઈન્સેન્ટિવ આપી પ્રોત્સાહિત કરવા સતત ડેટા મેનેજમેન્ટ ત્રીજી ટીમ દ્વારા કરવામાં આવતું. ચોથી ટીમ તમામ સ્ટોર્સમાં આઇટમ્સના સેલિંગ તેમજ સ્ટોક ઉપર ધ્યાન રાખતી. જેનું વેચાણ વધુ છે તે આઈટમ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે, જયારે જેનું વેચાણ ઓછું છે તેનો ડેડ સ્ટોક સ્ટોરમાં ન રહે તે ધ્યાન સતત રાખવામાં આવતું. ક્યારે સ્ટોક ઘટાડવો અને ક્યારે વધારવો તેનું સતત અપડેટ ચોથી ટીમ આપતી રહેતી હતી.

બેસ્ટ બાયના એક તબક્કે નાના સ્ટેન્ડ-અલોન મોબાઇલ સ્ટોર્સને બંધ કરવાનો ર્નિણય લેવાની હતી. તેને સ્થાને મોબાઈલ ઓપરેટ કરવામાં નિષ્ણાત કર્મચારીઓને તેમની સ્કિલ્સ જાણીને સ્ટેન્ડ-અલોન સ્ટોર્સ ઉપર મોકલી આપવામાં આવ્યા. જેથી ત્યાંથી પણ નફો મેળવવાનું શરુ કરાયું. મોબાઈલમાં વિશેષતા ધરાવતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાને બદલે તેણે બેસ્ટ બાય સ્ટોર્સમાં મુકવામાં આવતા તે કર્મચારીઓ કંપનીને નફો કરી આપવા લાગ્યા. સમગ્ર સિસ્ટમ ગ્રાહકોને ધ્યાનમાં રાખી અવારનવાર બદલવામાં આવતી. ગ્રાહક આનુસંગિક બનાવીને સિસ્ટમમાં લવચીક ફેરફારોએ અણધાર્યું પરિણામ આપ્યું. નાનામાં નાના કર્મચારીને કંપનીના હિતમાં જાતે ર્નિણય લેવાની કે મેનેજમેન્ટને સલાહ આપવાની છૂટ આપવામાં આવી. પરિણામે દરેક કમઁચારીમાં સેન્સ ઓફ ઓનરશિપ આવી. તે પોતાનો જ ધંધો છે તેમ સમજી સમર્પિત રીતે કંપની માટે કામ કરવા લાગ્યો. બેસ્ટ-બાય કંપની ગ્રાહકોના સતત સંપર્કમાં રહેતી અને તેમની પાસે ઇનપુટ્‌સ તેમજ ફીડબેક લેતી રહેતી. ગ્રાહકોની માંગ અનુસાર કંપની પોતાને એડજેસ્ટ કરતી. જેથી ગ્રાહકો પણ બેસ્ટ-બાય પ્રત્યે સમર્પિત થવા લાગ્યા.

ઇ-કોમર્સ દ્વારા બેસ્ટ બાયએ કોમ્પિટિશનમાં પછડાટ ખાધી હતી. ત્યારે જાેલીએ કર્મચારીઓ સાથે મિટિંગ કરીને કહ્યું હતું કે હવે કોમ્પિટિટર્સને ઈંટનો જવાબ મોર્ટારથી આપવાનો છે. હું પણ તમારા જેવો જ એક કર્મચારી છું. આપણે સાથે મળીને કંપનીને ફરીથી નંબર વન બનાવવાની છે. તે માટે હું મારુ સો ટકા આપીશ અને તમારે પણ મને સો ટકા આપવાના છે. જેનાથી આપણે સાથે મળીને સો ટકા સફળ બનીશું. જાેલીએ ખરેખર તે કરી બતાવ્યું. બંધ થવાને આરે આવેલી બેસ્ટ-બાય કંપનીના કર્મચારીઓ ઉપરના વિશ્વાસ તેમજ કર્મચારીઓને સાથે લઈને ચાલવાની સ્ટ્રેટેજીને કારણે સફળ થઇ ફરીથી દુનિયાની ટોપ બ્રાન્ડ બનવામાં સફળ બની.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution