મોરબી-
ગુજરાતમાં સ્ત્રીઓ સલામત હોવાના દાવા વચ્ચે મોરબીમાં એક હેવાને પડોશમાં રહેતી 7 વર્ષની માસુમને પીંખી નાંખી અને બાદમાં પોતાનું પાપ છુપાવવા પથ્થર મારીને માસુમને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. 27 વર્ષના હેવાને આ કૃત્ય કરીને સ્ત્રીઓની સલામતી પર એક પ્રશ્ન ઉભો કર્યો છે. મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક કારખાનાથી થોડે જ દુર આવેલ પાંજરાપોળની વિરાન જગ્યામાં જમીનમાં દાટેલી હાલતમાં એક સાત વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા કાગારોળ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી નાખવામાં આવી હોવાની માહિતી મળી હતી. તપાસમાં આ મૃતક બાળકી લાશ મળ્યાના ચાર દિવસ પહેલાથી ગુમ થયેલી કારખાનાના શ્રમિકની પુત્રી હોવાનું બહાર આવ્યું હતું,
જેની ગંભીરતાથી તપાસ કરતા કારખાનામાં કામ કરતો મૂળ ઝારખંડનો દુર્ગાચરણ ઉર્ફે ટારઝન સેવૈયા શંકાસ્પદ વ્યક્તિ જણાયો અને પોલીસની આકરી પુછપરછમાં તેણે જ મૃતક બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કર્યાની કબુલાત કરી હતી. મોટો સિરામિકમાં સાત વર્ષથી આરોપી દુર્ગાચરણ નોકરી કરતો હતો. હવસખોર માનસવાળા આ વ્યક્તિએ પડોશમાં જ રહેતી માસુમ પર નજર બગાડી હતી અને માત્ર ૭ વર્ષની દીકરી જેવડી ઉંમરની બાળકીને ચોકલેટની લાલચ આપીને કારખાનાની બહાર લઇ ગયો અને બાદમાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. એટલાથી પણ આ પાપીને સંતોષ ના થયો અને તેણે પથ્થરથી બાળકીની હત્યા કરી નાખી હતી.
પોતાની હવસ સંતોષીને બાળકીની હત્યા કર્યા બાદ તેણે શાંત મને બાળકીની લાશને કારખાનાથી લગભગ ૨૦૦ મીટર દુર આવેલ પાંજરાપોળની વેરાન જગ્યામાં ખાડો ખોદી બાળકીની લાશ દાટીને ઉપર પ્લાસ્ટિક બેગ મૂકીને લાશ ઢાંકી દીધી હતી. ત્યારાબાદ કારખાનામાં આવીને કાંઈ બન્યું જ ના હોય એમ રોજિંદુ જીવન જીવવા લાગ્યો. લાશ મળ્યા બાદ કારખાનામાં પોલીસની હાજરી જાેઈને પણ એ વિચલિત ના થયો અંતે ઝડપાયા બાદ આકરી પુછતાછમાં તૂટી ગયો અને પોતાના પાપની કબુલાત આપી.