નડિયાદ, નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મનોવિજ્ઞાનના વિદ્યાર્થી ડાભી સંજયકુમાર દિલીપસિંહે કરેલા આ સંશોધનમાં ૧૫૨ યુવક-યુવતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં ૧૩૪ યુવકો અને ૧૮ યુવતીઓનો સમાવેશ થાય છે. સર્વેના ચોંકાવનારા પરિણામો મુજબ, ૮૦.૦૩% યુવાનો મોબાઈલ ગેમ્સનો નિયમિત ઉપયોગ કરે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ૭૯.૦૬% યુવાનોએ સ્વીકાર્યું કે ગેમ્સ રમતી વખતે તેમને સમયનું ભાન રહેતું નથી અને તેના કારણે તણાવ, ચિંતા તેમજ અભ્યાસ કે કામકાજમાં ઘટાડો થાય છે. ૯૦.૦૧% યુવાનોએ માન્યું કે મોબાઈલ ગેમ્સના કારણે ખેલકૂદ પ્રત્યેની રુચિ અને સામાજિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, ૭૩% યુવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે નાના બાળકોને મોબાઈલ ગેમ્સથી દૂર રાખવા જાેઈએ, કારણ કે તે તેમના અભ્યાસ, દૈનિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મોબાઈલ ગેમ્સ એક સરળ અને સુલભ મનોરંજનનું માધ્યમ છે. તે લોકોને આરામ અને મનોરંજન પૂરા પાડે છે. આ સંશોધનમાં ૮૬.૦૮% યુવક-યુવતીઓ કહે છે કે, મોબાઈલ ગેમ્સ રમવાથી આનંદનો અનુભવ થાય છે. મોબાઈલ ગેમ્સમાં વધુ સમય પસાર કરવાથી તણાવ, ચિંતા તથા અભ્યાસ કે કામકાજમાં ઘટાડો થઈ શકે છે. ૭૯.૦૬ % યુવક-યુવતીઓ માનવું છે કે મોબાઈલ ગેમ્સ રમતી વખતે સમયનું પણ ભાન રહેતું નથી. જ્યારે ૯૪.૦૧% યુવક-યુવતીઓ કહે છે કે કેટલીક હિંસાત્મક મોબાઈલ ગેમ્સના કારણે યુવાનોમાં આક્રમકતા અને ખરાબ વર્તન જાેવા મળે છે. આ સાથે ૯૨.૦૮% યુવક-યુવતીઓ એમ માને છે કે, મોબાઈલ ગેમ્સનો અતિશય ઉપયોગ કરવાથી તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. ૯૨.૦૮% યુવક-યુવતીઓ માને છે કે, અતિશય મોબાઈલ ગેમ્સ રમવાથી આંખોને નુકસાન થાય છે. ૮૯.૦૫ % યુવક-યુવતીઓ માને છે કે, મોબાઈલ ગેમ્સનો અતિશય ઉપયોગ કરવાથી વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવવાની સંભાવના રહે છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં ૯૦.૦૧ %યુવક-યુવતીઓ એમ માને છે કે મોબાઈલ ગેમ્સના લીધે યુવાનોમાં ખેલકૂદની જિજ્ઞાસામાં ઘટાડો થાય છે. જ્યારે ૭૭.૦૬% યુવક-યુવતીઓ માને છે કે અતિશય મોબાઈલ ગેમ્સ રમવાથી વિચારવાની અને સમજવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ૭૯.૦૬%યુવક-યુવતીઓ માને છે કે, રાત્રે મોડા સુધી મોબાઈલ ગેમ્સ રમવાથી સવારે વહેલા ઊઠવામાં મોડું થાય છે. કેટલીક મોબાઈલ ગેમ્સ વ્યક્તિને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ દોરી જાય છે. તો કેટલીક મોબાઈલ ગેમ્સ તેણે નકારાત્મક પ્રવૃત્તિ માટે પણ દોરે છે. મોબાઈલ ગેમ્સથી કોઈક વાર સમસ્યા ઉકેલવામાં પણ મદદ મળે છે. આ સંશોધનમાં ૫૦.૦૭%યુવાનો એમ માને છે કે, મોબાઈલ ગેમ્સથી જીવનની નાની-મોટી સમસ્યાઓને સમાધાન કરવામાં મદદ મળે છે. ૬૩.૦૨%યુવક-યુવતીઓ એમ માને છે કે, મોબાઈલ ગેમ્સ રમવાથી બુદ્ધિમાં ઘટાડો થાય છે. આ સંશોધન કોલેજના આચાર્ય ડૉ. મહેન્દ્રકુમાર દવે, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રકાશ વીંછિયા અને ડૉ. અર્પિતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ દર્શાવે છે કે મોબાઈલ ગેમિંગની લત યુવા પેઢી માટે એક ગંભીર સમસ્યા બની રહી છે, જે તેમના સર્વાંગી વિકાસને અવરોધે છે.