વડોદરા, તા.૨૧
વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર તેમજ અપક્ષ ઉમેદવાર મળીને ૮૯ ઉમેદવારો પૈકી ૧૭ ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચતાં વડોદરાની શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર ૭ર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આમ, અવે કઈ બેઠક પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારો દ્વારા પ્રચારઝુંબેશ વધુ તેજ બનાવાશે.
વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર બીજા તબક્કામાં તા.પમી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષો-અપક્ષોના ૧૮૭ ઉમેદવારીપત્રો રજૂ થયાં હતાં. ફોર્મની ચકાસણીમાં ૩૭ ફોર્મ રિજેક્ટ થયાં હતાં, જ્યારે ૮૯ ઉમેદવારોનાં ૧૪૮ ફોર્મનો સ્વીકાર થયો હતો.
આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી બપોરે ૩ વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો સહિત ૧૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં ૮૯ પૈકી ૭ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ૧૧ ઉમેદવારો અકોટા બેઠક પર અને સૌથી ઓછા પાંચ ઉમેદવારો સયાજીગંજ બેઠક પર છે.
આમ, આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે આગામી ૧ર દિવસ તમામ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો પ્રચારઝુંબેશ વધુ તેજ બનાવીને મતદારોને રીઝવવા એડીચોટીનું જાેર લગાવશે. જાે કે, વડોદરાની ૮ બેઠકો પર કોંગ્રેસ-ભાજપ અને પાદરા બેઠક પર ત્રિકોણીયો જંગ અને વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણીય મુકાબલો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કરજણ અને પાદરા બેઠક સિવાય ૮ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ત્યાર પછી કરજણ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ ભાજપમાં જાેડાતાં યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ ફરી યોજાયેલી પેટાચૂંટણીમાં ફરીવાર ચૂંટાઈને ધારાસભ્ય બનતાં હાલ ભાજપ પાસે શહેર-જિલ્લાની ૧૦ પૈકી ૯ બેઠકો છે. ત્યારે ભાજપ આ બેઠકો જાળવી રાખવામાં સફળ રહે છે કે કોંગ્રેસ કે અન્ય પક્ષ આ પૈકીની કોઈ બેઠક છીનવી લેશે તેની સ્પષ્ટતા તા.૮મીએ મતગણતરી બાદ થશે.
કઈ બેઠક પર કેટલા ઉમેદવારો
વિધાનસભા રાજકીય પક્ષ અન્ય પક્ષ-અપક્ષ કુલ
સાવલી ભાજપ, કોંગ્રેસ, આપ ૦૩ ૦૬
વાઘોડિયા ભાજપ, કોંગ્રેસ, આપ ૦૪ ૦૭
ડભોઈ ભાજપ, કોંગ્રેસ, આપ ૦૬ ૦૯
વડોદરા શહેર ભાજપ, કોંગ્રેસ, આપ ૦૪ ૦૭
સયાજીગંજ ભાજપ, કોંગ્રેસ, આપ ૦૨ ૦૫
અકોટા ભાજપ, કોંગ્રેસ, આપ ૦૮ ૧૧
રાવપુરા ભાજપ, કોંગ્રેસ, આપ ૦૪ ૦૭
માંજલપુર ભાજપ, કોંગ્રેસ, આપ ૦૫ ૦૮
પાદરા ભાજપ, કોંગ્રેસ, આપ ૦૩ ૦૬
કરજણ ભાજપ, કોંગ્રેસ, આપ ૦૩ ૦૬
વર્ષ ૨૦૧૭ની ચૂંટણી કરતાં આ વખતે ઉમેદવારોની સંખ્યા ઘટી
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લાની ૧૦ બેઠકો પર ૮ર ઉમેદવારો મેદાનમાં હતા. જાે કે, આ વખતે આપ તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે ત્યારે કુલ ૮૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં પરંતુ તે પૈકી આપના ડમી તેમજ અપક્ષ ઉમેદવાર મળીને ૧૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં ૭ર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આમ, ઉમેદવારોની સંખ્યા આ વખતે ઘટી છે.
વાઘોડિયામાં ચતુષ્ટકોણીય અને પાદરામાં ત્રિકોણીયો જંગ
વાઘોડિયા બેઠક પર સતત ૬ ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા)ને ટિકિટ નહીં આપતાં નારાજ થઈને ભાજપ સાથે છેડો ફાડી બંને ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે વાઘોડિયાની બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપની સાથે બે મજબૂત અપક્ષ ઉમેદવારો છે. ત્યારે આ બેઠક પર ચતુષ્કોણીયો મુકાબલો થાય તેવી શક્યતા છે. તો પાદરા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ સાથે અપક્ષ ઉમેદવાર દિનુમામા મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર ત્રિકોણીયો જંગ જામશે. જ્યારે અન્ય બેઠકો પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામે તેવી શક્યતા છે. જાે કે, આપના ઉમેદવારો પણ કેટલું જાેર લગાવે છે તે જાેવાનું રહ્યું. પરંતુ પાદરા અને વાઘોડિયા બેઠક પરની ચૂંટણી રસાકસી ભરેલી બની રહેશે.