ડભોઇ : ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના માછીફળીયામાં ધમધમતા જુગારના અડ્ડા પર વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોએ રેડ કરી રૂ.૨,૩૦,૫૬૦ના મુદામાલ સાથે ૭ ઇસમોને જુગાર રમતા ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસની રહેમ નજર હેઠળ આ જુગારધામ ચાલી રહ્યું હતું કે શું એ એક મોટો સવાલ ઉભો થાય છે.
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે માછી ફળિયામાં રહેતા કંટીભાઈ લક્ષ્મણભાઈ વસાવા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવતા હોવાની પાકી બાતમી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.ડી.બી.વાળા તેમજ એમ.એમ.રાઠોડને બાતમી મળી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો ભૂપતભાઈ તેમજ સિધ્ધરાજસિંહ, વિપુલકુમાર, લાલજીભાઈ, વિજયકુમાર, અને વિનોદકુમારની ટીમે કાયાવરોહણ ગામમાં રહેતા કાંતીભાઈના ઘરે રાત્રીના અરસામાં રેડ કરી કુલ સાત જુગારી જેમાં કાંતીભાઈ લક્ષ્મણભાઈ વસાવા ,રમેશભાઈ ઉર્ફે બકો ભાણાભાઈ રાઠોડીયા, વસંતભાઈ ભોગીલાલ પટેલ, રહે. ૧ શ્રીજીપાર્ક તુલસીધામ પાસે માંજલપૂર, મૂળ રહે અણખી, તા.વડોદરા, શૈલેષભાઈ મગનભાઈ પટેલ, સુભાષભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, દિનેશભાઈ મથુરભાઈ વસાવા, તેમજ પ્રહલાદભાઈ ફૂલજીભાઈ પાટણવાડીયા સાધલીને ઝડપી પાડી અંગ ઝડતીના રૂ.૨૧,૧૪૦ અને દાવ પર લગાવેલા રૂ. ૮૪૨૦ રોકડ રકમ રૂ.૨૯૫૬૦ તેમજ મોબાઈલ નંગ ૬ રૂ.૪૧૦૦૦, વાહન નંગ ૩ રૂ.૧,૬૦,૦૦૦ સહિત કુલ રૂ.૨,૩૦,૫૬૦ નો મુદામાલ કબજે કરી ૭ જન સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.