વડોદરા : નકલી રેમડેસિવિર ઈન્જેકશનના દેશના સૌથી મસમોટા કૌભાંડમાં ઝડપાયેલા સાત આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરાતાં કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી નકલી ઈન્જેકશનો કોને કોને અપાયા છે? આ ઉપરાંત રો-મટિરિયલ અને સ્ટીકર તેમજ બોક્સ ક્યાં બનાવ્યાં છે તેની જાણકારી મેળવી અન્યોને ઝડપી લેવાશે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ર૮મી તારીખે રેમડેસિવિર ઈન્જેકશનોના કાળાબજાર કરતાં ઝડપાયેલા પાંચ આરોપીઓ ઋષિ પ્રદીપ જેધ, વિકાસ લક્ષ્મણભાઈ પટેલ, પ્રતિક નરેન્દ્ર પંચાલ, મનન રાજેશ રાહ, જતીન પટેલનો સમાવેશ થતો હતો. આ લોકો પાસેથી ૯૦ જેટલા ઈન્જેકશનો કબજે લેવાયા હતા, ત્યાં સુધી વડોદરા પોલીસને આ ઈન્જેકશનો નકલી હોવાનો અંદાજ નહોતો, એટલે જ આ ઈન્જેકશનો કોરોનાની સારવાર લઈ રહેલા સયાજી હોસ્પિટલના દર્દીઓને આપવાનો નિર્ણય લેવાયો હતો.
રાત્રિ દરમિયાન પૂછપરછ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ્ની કાર્યવાહીના પગલે આ ઈન્જેકશનો નકલી હોવા ઉપરાંત શહેર નજીકના રાઘવપુરા ગામે જ એક ફાર્મહાઉસમાં તૈયાર કરાતા હોવાનું બહાર આવતાં ચોંકી ઊઠેલી પોલીસે તરત જ કાર્યવાહી કરી ફાર્મહાઉસ ઉપર દરોડો પાડતાં આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિવેક ઘનશ્યામ મહેશ્વરીને ઝડપી પાડયો હતો. ત્યાર બાદ એની કબૂલાતના આધારે આણંદથી નઈમબેન હનીફભાઈ વોરાને પણ ઝડપી લેવાઈ હતી અને પોલીસે ૧૧૦૦ જેટલા ઈન્જેકશનો જપ્ત કર્યા હતા.
આમ કુલ સાત આરોપીઓ સામે ગંભીર ગણાતી સઅપરાધ માનવવધની કલમ ૩૦૮ તેમજ ૧૨૦બી, ૨૭૪, ૨૭૫ અને કોપીરાઈટની કલમ લગાવી આજે ક્રાઈમ બ્રાન્ચે અદાલતમાં રજૂ કરતાં કોર્ટે આ સાતેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.