વડોદરા : વિદ્યાર્થિ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ૩૧ વર્ષ અગાઉ વડોદરામાં શિક્ષણમાં વ્યાપેલા ભ્રષ્ટ્રાચાર અને મોંધવારીના વિરોધમાં લડત ચલાવી ઉગ્ર દેખાવ કરી તેમજ પોલીસ જવાનો પર તલવારથી હુમલો કરવાના બે ગુનામાં સંડોવાયેલા ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ ભાજપા અગ્રણીઓ સહિત કુલ ૭ આરોપીઓને અત્રેની અદાલતે લાંબી કાનુની પ્રક્રિયા બાદ આજે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
શહેરમાં ગત ૧૯૮૯ની સાલમાં ખાનગી સ્કુલોની ફીમાં તેમજ નામાંકિંત શાળાઓમાં ડોનેશનના બહાને ઉઘાડી લુંટ ચલાવી વાલીઓનું શોષણ કરાયું હતું. આ શોષણના વિરોધમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજાહેઠળ ધારાસભ્યા યોગેશ પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ૩૧મી જુલાઈએ મોડી સાંજે ટોળા સ્વરૂપે ઉગ્ર દેખાવ કર્યા હતા. ટોળાએ અમદાવાદીપોળ જ્યુબિલીબાગ પાસે તારકેશ્વર મંદિર પાસે યજ્ઞનું આયોજન કરી બલી સ્વરૂપે કોળુ કાપવાનો કાર્યક્રમ યોજ્યો હોઈ આ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
મોડી સાંજે વિરોધ કરવા માટે નીકળેલા ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ જવાન પર તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી જયારે ટોળાએ અમદાવાદી પોળ પાસે સરકારી બસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ બંને બનાવોની રાવપુરા પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી જેમાં પોલીસ પર હુમલાની ફરિયાદ ફરિયાદમાં યોગેશ પટેલ સહિત બે આરોપીઓ તેમજ બસ પર પથ્થરમારામાં યોગેશ પટેલ સહિત ૨૦ આરોપીઓ વિરુધ્ધ ગુના નોંધાયા હતા.
આ બંને ગુનાની અત્રેના એડીશ્નલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ચંદ્રસિંહ ચારણની કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી જેમાં આરોપીઓ તરફે વકીલ હિતેશ ગુપ્તા ,એસ આર ગોડિયા અને સિધ્ધાર્થ પવારની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે બંને ગુનામાં સંડોવાયેલા યોગેશ પટેલ સહિતના ૭ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કર્યા હતા. ૩૧ વર્ષ સુધી ચાલેલા બંને કેસોમાં ફરિયાદી સહિત મોટાભાગના સાક્ષીઓ મરણ પામ્યા હોઈ અને મહત્વના સાક્ષીઓ પણ હોસ્ટાઈલ જાહેર થતાં તેનો લાભ આરોપીઓને મળ્યો હતો.
હજુ પણ રાયોટિંગના ગુનાના ૧૨ આરોપીઓ ફરાર
રાવપુરા પોલીસ મથકમાં પોલીસ પર હુમલાની ફરિયાદમાં યોગેશ પટેલ અને સુરેશ પ્રતાપસિંહ રાજપુત વિરુધ્ધ તેમજ બસ પર પથ્થરમારાની બીજી ફરિયાદમાં ઉક્ત બંને આરોપીઓ ઉપરાંત અજય પ્રતાપભાઈ દવે, રત્નવિજયસિંહ ગંગારામ ચૈાહાણ, મુકેશ સુરેશભાઈ દિક્ષીત, ભરત ગૈારીશંકર ઠાકોર અને પંકજ રમેશભાઈ પટેલ સામે ફરિયાદ હતી જે તમામનો બંને ગુનામાં નિર્દોષ છુટકારો થયો છે. જાેકે પથ્થરમારાની ફરિયાદમાં હજુ પણ ૧૨ આરોપીઓ ફરાર હોઈ તેઓની વિરુધ્ધ કાર્યવાહી પેન્ડીંગ રાખી તેઓની વિરુધ્ધ કોઈ હુકમ કરાયો નથી.