ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહીઃ 40થી વધુ મોત

મામુજુ-

ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ભૂકંપથી રહેઠાણો અને ઇમારતો ધ્રૂજી ઊઠી હતી. તેને લીધે શીલાઓ ધસી પડવાથી ૩૪ લોકોના મોત થયા હતા. ૬.૨ની તીવ્રતાના ભૂકંપમાં ૬૦૦થી વધુ લોકોને ઇજા થઈ હતી. લોકોએ શુક્રવારે અંધારામાં ઘર છોડી ભાગવું પડ્યું હતું. સત્તાવાળા હજુ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન અને મૃત્યુની સંખ્યાની માહિતી એકત્ર કરી રહી છે. હજુ થોડા દિવસો પહેલાં જ ઇન્ડોનેશિયાનું પ્લેન ઉડ્ડયન બાદ તરત જ સમુદ્રમાં તૂટી પડતાં 62 લોકો માર્યા ગયા હતા. તે પહેલાં આ ટાપુ રાષ્ટ્રમાં જવાળામુખી ફાટ્યો હતો અને હવે આ ભૂકંપની સંકટ આવ્યું છે. 

ભૂકંપના કારણે ધરાશાયી થયેલા રહેઠાણો અને ઇમારતોના કાટમાળમાં લોકો ફસાયા હોવાના અહેવાલ છે. નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી દ્વારા જારી કરાયેલા વીડિયોમાં કાટમાળમાં દબાયેલી એક કન્યા મદદ માટે બૂમો પાડતી હતી અને તેને પરિવારના અન્ય સભ્યોનો પણ અવાજ સંભળાતો હતો. બચાવકાર્યમાં સક્રિય લોકોના જણાવ્યા અનુસાર તેમને બચાવવા માટે એક્સકેવેટરની જરૂર હતી. અન્ય એક છબીમાં તૂટી પડેલો પુલ તેમજ ધરાશાયી થયેલા મકાનોના દ્રશ્યો દેખાતા હતા. ટીવી સ્ટેશન્સના જણાવ્યા અનુસાર ધરતીકંપને કારણે હોસ્પિટલના અમુક હિસ્સાને નુકસાન થયું હતું. તેને લીધે દર્દીઓને બહાર ઊભા કરાયેલા ઇમરજન્સી ટેન્ટમાં ખસેડાયા હતા. હજારો બેઘર લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા. 

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીએ જણાવ્યું હતું કે, મામુજુમાં બચાવકાર્ય કરી રહેલા લોકોને ૨૬ શબ મળ્યા હતા અને મૃત્યુઆંક ૩૪ થયો હતો. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મામુજુના પાડોશી જિલ્લા મેજેનમાં ૮ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૬૩૭ લોકોને ઇજા થઈ હતી. ઓછામાં ઓછા ૩૦૦ ઘર અને એક હેલ્થ ક્લિનિકને ભૂકંપમાં નુકસાન થયું હતું. લગભગ ૧૫,૦૦૦ લોકોને જિલ્લામાં જ કામચલાઉ આશ્રયસ્થાનોમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં વીજળી અને ફોનના કનેક્શન કપાઈ ગયા હતા. પશ્ચિમ સુલાવેસીના એડમિનિસ્ટ્રેશન સેક્રેટરી મુહમ્મદ ઇદ્રિસે જણાવ્યું હતું કે, મામુજુમાં ધરાશાયી થયેલી ઇમારતોમાં ગવર્નરના ઓફિસ બિલ્ડિંગનો પણ સમાવેશ થતો હતો. જેની નીચે ઘણા લોકો દબાયેલા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution