વડોદરા
શહેરમાં છેલ્લાં બે દિવસથી વાદળિયું વાતાવરણ અને પવનની દિશા બદલાતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. પરંતુ આજે સવારથી ઉત્તર તરફથી ઠંડો પવન ફૂંકાવાની સાથે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આમ ફરીથી ઠંડીએ જમાવટ કરવાની શરૂઆત કરી છે.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા નિહાર વાવાઝોડાની અસર હેઠળ વડોદરામાં સતત બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું હતું, સાથે સાથે પવનની દિશા પણ બદલાતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
બે દિવસ ઠંડીમાં ઘટાડા બાદ ઉત્તર તરફથી બર્ફિલા પવન ફૂંકાતાં તેમજ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી
વધી હતી.
ઠંડા પવન અને તાપમાનમાં ઘટાડાને પગલે વહેલી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ર૯.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૧૮.ર ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા જે સાંજે ૩૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની ગતિ પ્રતિકલાકના ૯ કિ.મી. નોંધાઈ હતી.