વડોદરા શહેરમાં ભૂવાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં રોજેરોજ નવા નવા ભૂવાઓ પડી રહ્યા છે. ત્યારે શહેરીજનો ભૂવાઓના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરમાં ભૂવાઓના કારણે વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. શહેરમાં ૯ અલગ અલગ સ્થળોએ ૯ ભૂવાઓ પડયા છે. જેમાં ખાસ કરીને અકોટાથી મુજ મહુડા સુધીના અડધા કિમીના રોડ ઉપર ૫ ભૂવાઓ પડયા છે. લોકસત્તા જનસત્તા આ ભુવાઓના નામ તેના જનપ્રતિનિધિના નામે આપી રહ્યું છે. નગરજનો પોતાના વિસ્તારમાં માળખાકીય સુવિધા મળે તે માટે પ્રતિનિધિઓને ચૂંટે છે. ત્યારે તેઓના વિસ્તારમાં જે મુશ્કેલીઓ પડતી હોય તેની પણ જવાબદારી તેઓની જ છે. ત્યારે વોર્ડ ૧૨ માં આવેલા આ વિસ્તારના પ્રતિનિધિઓના નામે જ આ ભૂવાઓ અર્પણ છે.
વડોદરા શહેરને ભુવા નગરી તરીકેનું બિરુદ મળ્યું છે. એનું કારણ એ છે કે શહેરમાં રોજેરોજ નવા નવા ભૂવાઓ પડી રહયા છે. શહેરમાં ભુવાઓના કારણે લોકો ત્રસ્ત થઇ ગયા છે. પાલિકા દ્વારા ભૂવાઓ પૂરવા માટેની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ તે યોગ્ય રીતે કરવામાં ન આવતા પુનઃ ભૂવા પડી જતા હોવાના પણ કેટલાક કિસ્સા બનવા પામ્યા છે. શહેરમાં વોર્ડ ૧૨ માં અકોટાથી મુજમહુડાનાં મુખ્ય માર્ગ ઉપર થોડા થોડા અંતરે પાંચ ભૂવા પડયા છે. જેના કારણે આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. શહેરના પોશ અને વાહનોની આવનજાવનથી ધમધમતા આ માર્ગ ઉપર એક સાથે પાંચ ભૂવાઓ પડતા વાહનકાહલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અહીં સામેની તરફ જ તાજ હોટલ આવેલી છે. જ્યાં શહેરમાં આવતા અનેક વીવીઆઈપી તેમાં રોકાય છે. અને તેઓ શહેરની આવી છાપ લઈને જઈ રહ્યા છે. આ વિસ્તારના ભાજપાના ચાર પ્રતિનિધિઓ છે. જેમાં ટિ્વંકલ ત્રિવેદી, રીતા સિંહ, સ્મિત આરદેશણા અને મનીષ પગાર છે. પાંચ પૈકી તમામના નામે એક એક ભૂવા અર્પણ છે અને પાંચમા ભૂવાની હિસ્સેદારી તમામ સરખા ભાગે વહેંચી લે તેવી આશા છે.
મેયર પિંકી સોનીના વોર્ડ નં.૪માં
મેયરના ઘરની બરાબર સામે જ ભૂવો પડ્યો
શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીની બહાર જ એક મોટો ભૂવો પડ્યો છે. વારસિયા વિસ્તારમાં આવેલી પાવનધામ સોસાયટીની બહાર જ એક મોટો ભૂવો સર્જાયો છે. આ ભૂવો લોકોની ચર્ચામાં મેયર પિંકી સોનીના નામે ઓળખાઈ રહ્યો છે. મેયર પોતાના ઘરની બહાર નીકળે તરત જ આ ભૂવાના દર્શન થઇ રહ્યા છે. ત્યારે આ ભૂવો તેઓ કેટલી વહેલીતકે દુરસ્ત કરાવી શકે છે તે જાેવું રહ્યું.
બાપુ અને ડોક્ટર વહેલીતકે ભૂવા માટે અવાજ ઊઠાવશે એવી લોકોને આશા
શહેરના વોર્ડ ૩માં બે ભૂવાનું સર્જન થયું છે. એક ભૂવો મંગલ પાંડે રોડ ઉપર પડ્યો છે અને બીજાે ભૂવો વુડા સર્કલ નજીક પડ્યો છે. આ બે ભૂવાઓ પૈકી એક ભૂવો પરાક્રમસિંહ જાડેજા બાપુની જવાબદારીમાં આવે છે અને બીજાે ભૂવો ડો. રાજેશ શાહ - નીકીરની જવાબદારીમાં આવે. આ ભૂવાઓ આ બંને કોર્પોરેટર વહેલીતકે દુરસ્ત કરાવશે એવી લોકોને આશા.
જહા ભરવાડ ભલે વિપક્ષમાં હોય, પણ તેમના વિસ્તારના ભૂવાની જવાબદારી તેમની
શહેરના વોર્ડ ૧ માં નિઝામપુરા મહેસાણા નગર ખાતે એક ભૂવો પડ્યો છે, જેમાં બુધવારે સવારે એક દૂધનો મોટો આયશર ટેમ્પો પણ ફસાયો હતો. આ ભૂવો વિપક્ષના વોર્ડમાં છે જેની જવાબદારી વિપક્ષના ઉપનેતા જહાં ભરવાડની પહેલા થાય છે. ઉપનેતા જહાં ભરવાડે પોતાના ભૂવા વિષે જણાવ્યું હતું કે આ ભૂવામાં માછલીઓ પણ જણાઈ રહી છે એટલે કે આ અન્ય કોઈ તળાવ કે નદીનું પાણી આવી રહ્યું છે, જેથી અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે ભૂવાના મૂળ સુધી પહોંચી ત્યાર બાદ તેનું પુરાણ કરવામાં આવે.
અકોટામાં પાંચ-પાંચ ભૂવા! શું ચારેય કોર્પોરેટર ભૂવાના ભેંલાણમાંથી પ્રજાને ઉગારી શકશે?
અકોટા વિસ્તારના હજારો રહીશો અને વેપારીઓ રસ્તા પર ઉપરાછાપરી પડી રહેલા ભૂવાથી દહેશતમાં છે. આશ્ચર્યની વાત એ છે કે, અકોટા ગાર્ડનથી મુજમહુડા વચ્ચેના માત્ર અડધો કિલોમીટરના અંતરમાં જ પાંચ-પાંચ ભૂવા પડ્યા છે. જેને લીધે અકોટાનો એક તરફનો રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અકોટાનો એક તરફનો રસ્તો બેસી જાય તેવી આશંકા ઉભી થતા ત્યાંના રહીશોમાં જબરદસ્ત ફફડાટ ફેલાયો છે. વિશ્વામિત્રીના પૂરના ભય પછી હવે, લોકોને ભૂવાનો ડર સતાવી રહ્યો છે. પૂરના સમયે તદ્દન નિષ્ક્રિય રહેલુ કોર્પોરેશન તંત્ર હવે, અકોટામાં પડેલા ભૂવાને પૂરવામાં કેટલું સતર્ક રહે છે? તે સમય બતાવશે. હાલમાં ભૂવાને કારણે અકોટા વિસ્તારના વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. આ વિસ્તાર સૌથી બોલકા કોર્પોરેટર મનીષ પગારનો છે, તો આ ભૂવાને વહેલીતકે દુરસ્ત કરાવવાની જવાબદારી તેમની છે.
એવા ભાજપના એકેય કોર્પોરેટરે ફોન ન ઊંચક્યો, વળતો ફોન કર્યો પણ નહીં
વડોદરા શહેરમાં વિવિધ વોર્ડમાં ભૂવાઓ પડ્યા છે. આ અંગે અમે ભૂવાના નામકરણ કરી તેની જવાબદારી સ્વીકારવા માટે તમામ કોર્પોર્રેટરને ફોન કર્યો હતો પરંતુ તેઓ હાલમાં અતિ વ્યસ્ત જણાય હતા અને તમામે ફોન કાપ્યા હતા. નગરસેવકો દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો.