પીએમ મોદીના ૪૫ કલાક‘ધ્યાન’પૂર્ણ

કન્યાકુમારી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ૪૫ કલાક ધ્યાન પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન કર્યું. ગઈકાલે પીએમ મોદીએ ઘેરા રંગના કેસરી કપડા પહેર્યા હતા, તેમણે પહેરેલા કપડા હળવા રંગના છે. ખાસ વાત એ છે કે જ્યારે પીએમ મોદી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે પણ લોકોને વિવેકાનંદ રોક મેમોરિયલ જવાથી રોકવામાં આવ્યા ન હતા. પીએમ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલમાં એ જ જગ્યાએ ધ્યાન કર્યું હતું જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.

 સવારે સૂર્યોદય સમયે ‘સૂર્ય અર્ઘ્ય’ અર્પણ કર્યા પછી, પીએમ મોદીએ ત્રીજા અને અંતિમ દિવસે તેમની ધ્યાન પ્રેક્ટિસ શરૂ કરી અને બપોરે તેને સમાપ્ત કરી. ‘સૂર્ય અર્ઘ્ય’ આધ્યાત્મિક અભ્યાસ સાથે જાેડાયેલી એક પરંપરા છે, જેમાં ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. પીએમએ સમુદ્રમાં એક લોટાથી સૂર્યને જળ અર્પણ કર્યું અને માળા અને મંત્રોચ્ચાર કર્યા. મોદીએ ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. તેઓ હાથમાં ‘જાપ માલા’ લઈને મંડપની આસપાસ ચક્કર લગાવતા જાેવા મળ્યા હતા. તેમણે ૩૦ મેની સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરવાનું શરૂ કર્યું.

પીએમ મોદીએ ગુરુવારે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાનની શરૂઆત કરી હતી. પીએમના શેડ્યૂલ મુજબ, તેમણે ૪૫ કલાક સુધી કઈ પણ ખાધું નહોતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમણે માત્ર લિક્વિડ ડાયટ જ લીધું હતું. તેઓ ધ્યાન ખંડમાંથી બહાર નીકળ્યા ના હતા. પીએમ મોદીની આ ધ્યાન યાત્રાને કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમના રોકાણ દરમિયાન બે હજાર પોલીસકર્મીઓ તૈનાત હતા. આ સાથે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે પણ કડક તકેદારી રાખી હતી. આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન આ સ્મારક પર રોકાયા હતા. આ સ્મારક સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે અને તે સમુદ્રની મધ્યમાં આવેલું છે. પીએમ મોદીએ ધ્યાન માટે આ સ્થળ પસંદ કર્યું કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં સ્વામી વિવેકાનંદને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. પાંચ વર્ષ પહેલા ૨૦૧૯ના ચૂંટણી પ્રચાર પછી પીએમ મોદીએ કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution