નવી દિલ્હી:ઓલિમ્પિકમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની મહિલા શૂટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રમતગમત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કર્યું. આ દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રમતગમત મંત્રાલય દ્વારા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં રમતગમત પુરસ્કારો ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મનુ અને ગુકેશ ઉપરાંત, ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિયન પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો.૨૨ વર્ષીય મનુ ભાકરઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર ટીમ ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર સ્વતંત્ર ભારતની પ્રથમ ખેલાડી બની હતી. પેરિસ ઓલિમ્પિકમાં જ, હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતે સતત બીજા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ૧૮ વર્ષનો ગુકેશ સૌથી નાની ઉંમરનો વિશ્વ ચેમ્પિયન બન્યો, જે ગયા વર્ષે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમના ઐતિહાસિક સુવર્ણ ચંદ્રકનો શિલ્પી પણ હતો. પેરા હાઇ જમ્પર પ્રવીણે પેરિસ પેરાલિમ્પિક્સમાં ્૬૪ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ એવા ખેલાડીઓની શ્રેણી છે જેમના ઘૂંટણની નીચે એક કે બંને પગ નથી અને તેઓ દોડવા માટે કૃત્રિમ પગ પર આધાર રાખે છે.ખેલ રત્ન ઉપરાંત ૨૦૨૪ માં રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ૩૪ ખેલાડીઓને અર્જુન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેમાંથી રમતવીર સુચા સિંહ અને પેરા સ્વિમર મુરલીકાંત રાજારામ પેટકરને અર્જુન પુરસ્કાર લાઇફટાઇમ એચિવમેન્ટ એનાયત કરવામાં આવ્યો હતો. કોચિંગમાં શ્રેષ્ઠતા માટે પાંચ લોકોને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો, જેમાં બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ આર્માન્ડો એગ્નેલો કોલાકોનો આજીવન શ્રેણીમાં સમાવેશ થાય છે.