કુવૈત:કુવૈતમાં તાજેતરમાં આગની એક ઘટનામાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો માર્યા ગયા હતા. આવી જ એક બીજી ઘટનામાં એક ભારતીય પરિવારના ચાર સભ્યો મૃત્યુ પામ્યા છે. આ પરિવાર મૂળ કેરળનો હતો અને થોડા દિવસો અગાઉ જ કુવૈત આવ્યો હતો. કુવૈત સિટીમાં એક ફ્લેટમાં આ પરિવાર રહેતો હતો જ્યાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે ભારતીય દંપતી અને તેના બે બાળકોના મોત નિપજ્યાં છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે આ પરિવાર કેરળથી રજા માણીને પરત આવ્યો જ હતો અને અગ્નિકાંડનો શિકાર થઇ ગયો.
કુવૈતથી પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર મેથ્યૂઝ મુલક્કલ, તેમના પત્ની લિની અબ્રાહ્મ અને તેમના બે બાળકો શુક્રવારે રાતે જ અબ્બાસિયા વિસ્તારમાં આ ઘટનાનો શિકાર થયા હતા. ઘટના સમયે તેઓ તેમના ફ્લેટમાં જ હતા. રાતે ૮ વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતાં જ અગ્નિકાંડ સર્જાયો ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હતું. શ્વાસ રૂંધાવાને કારણે પરિવારના ચાર સભ્યો એકસાથે મોતને ભેટી ગયા. આ તમામ લોકો કેરળ રાજ્યના અલપ્પુઝાના નીરુત્તુપુરમના રહેવાસી હતા.
મૃતક પરિવારના ચારેય સભ્યો કેરળમાં રજાઓ માણી શુક્રવારે સાંજે ૪ વાગ્યે જ કુવૈત પરત આવ્યા હતા. મેથ્યૂઝ મુલક્કલ રોયટર્સ કંપની માટે કામ કરતો હતો. તેની પત્ની લિની અલ અહમદી ગવર્નરેટની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત હતી. તેમના બાળકો કુવૈતની ભવન્સ સ્કૂલમાં ભણતાં હતા. એક સંબંધીએ જણાવ્યું કે મેથ્યૂઝ છેલ્લા ૧૫ વર્ષથી કુવૈતમાં કામ કરી રહ્યો હતો.
દરમિયાન કુવૈતમાં ભારતીય દૂતાવાસે આરબ રાષ્ટ્રમાં ભારતીયોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે તે કેરળમાં પરિવારના સંપર્કમાં છે અને ચાર ભારતીયોના દેહ સ્વદેશ લાવવામાં આવે તે માટે કામ કરશે.ગયા મહિને પણ કુવૈતમાં આવી એક ઘટના બની હતી અને તેમાં પણ ભારતીયોનો ભોગ લેવાયો હતો. ગયા મહિને મજૂરોના આવાસમાં આગ લાગતા ૪૫ ભારતીયોના જીવ ગયા હતા. કુવૈતમાં વિદેશી કામદારો રહેતા હોય તેવા મકાનમાં આગ લાગી હતી.