સુરત-
સુરત ઘૂલે રોડ પર ખાનગી ટ્રાવેર્લ્સની બસ રેલીંગ તોડીને 30 થી 40 ફૂટ નીચે નદીમાં ખાબકતા ચાર લોકોનાં મોત થયા હતા. જયારે 35 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ સુરત-ધુલે રોડ પર મહારાષ્ટ્રનાં નંદુરબાર પાસે નેશનલ હાઈવે નં.6 પર વિસરાવાડી નજીક કોંડાઈબારી ઘાટમાં જલગાંવથી સુરત તરફ જતા કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી રેલીંગ તોડીને વહેલી સવારે અંકલ ટ્રાવેર્લ્સની લકઝરી બસ નીચે નદીમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં 4 મુસાફરોના મોત થયા હતા અને 35 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.બસમાં સૌથી વધુ લોકો સુરત અને જલર્ગાંવના હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હોઈ ઘણા મુસાફરો સુતા હોવાથી ઘાયલોની સંખ્યા વધી શકે છે.
બસ ડ્રાઈવર સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. ડ્રાઈવરને ગંભીર હાલતમાં વિસારવાડી રૂરલ હોસ્પીટલમાં પ્રાથમીક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે નંદુરબાર જીલ્લા હોસ્પીટલમાં ખસેડાયો છે.