નડિયાદ, નડિયાદના સલુણ તળપદ ગામની ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ ખાતેથી ૩૧૦૦ કિગ્રાથી વધુ ભેળસેળીયા ઘી નો જથ્થો મળી આવતા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભગ નડિયાદે અગાઉ આ ફેક્ટરીને ચકાસણી કરી વિવિધ ક્ષતીઓ બાબતે ગયા ફેબ્રુઆરી માસમાં નોટીસ પાઠવી હતી. જેનો જવાબ ફેક્ટરીના માલિક દ્વારા અયોગ્ય રીતે અપાતા જે બાદ શંકાના આધારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે બુધવારે ઓચિંતો દરોડો પાડ્યો હતો. ફુડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘પહેલી નજરે જાેયું તો, ફેક્ટરી બંધ જેવી લાગતી પરંતુ જેવો ગેટ ખોલ્યો અને ભેળસેળીયા ઘી નો બનાવવાની કામગીરી જાેઈ અમારી આંખો પહોળી થઈ ગઈ હતી’. આ ઘી નું પ્રોડ્ક્શન અહીંયા થતુ અને તેને જિલ્લા બહાર વેંચાણ અર્થે મોકલી આપવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે.
પેઢીનું લાઈસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા બુધવારના રોજ નડિયાદના સલુણ તળપદ ગામે આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટસ, બ્લોક ૮૯૩-૧-૨, ગોડાઉન નં. ૩ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીને હાજર રાખી સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ), ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં શ્રી કલ્યાણી બ્રાન્ડ ૧૫ કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. પ્રાથમિક તપાસમાં ભેળસેળીયા ઘી હોવાનું સામે આવતા તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પેઢીનું એફ.એસ.એસ.એ. લાઈસન્સ પણ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે .
ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા
તેમજ તેમાં ભેળસેળ કરવા ઉપયોગમાં લેવાતું બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ. વધુમાં ઉક્ત ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે ૧૫૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૫.૨૫ લાખ), બટર ઓઈલનો ૧૬૦૦ કિગ્રા જથ્થો (કિંમત: રૂ. ૩.૫ લાખ) અને ઘી ની ફ્લેવર નો ૧ લીટર જથ્થો (કિંમત: રૂ. ૩૬૦૦) એમ કૂલ ૩૧૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૮.૭૫ લાખ જેટલી થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ત્રણ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. આ સાથે આ પેઢી દ્વારા અન્ય ગુનાહીત પ્રવૃતિ ફરી ન આચરી શકે તે અર્થે પેઢીને એફ.એસ.એસ.એ. લાઈસન્સ તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તે નમૂનાઓને પૃથકકરણ માટે મોકલાવ્યા છે અને અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.