સાબરકાંઠામાં મધ્યાહન ભોજનમાં વપરાતા ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ૩ ઝડપાયા

ઈડર, સાબરકાંઠા જીલ્લા એલસીબી ટીમે સાબરકાંઠા સહિત પાંચ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ચલાવાતી મધ્યાહન ભોજન યોજનામાં વપરાતા ગેસ સિલિન્ડરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી આ ગેંગે પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૮ સ્થળે આવેલા પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજનના રૂમમાંથી અંદાજે ૪૮ જેટલા ગેસ સિલિન્ડરની ચોરી કર્યાની કબુલાત કર્યા બાદ તેમને અંદાજ રૂપિયા ૧.૬૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને દબોચી લીધા હતા આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઈડર,પ્રાંતિજ, તલોદ,ગાંભોઈ,ધનસુરા,ચિલોડા, હિંમતનગર,રખિયાલ,દહેગામ અને ખેડા જિલ્લાના કપડવંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં વપરાતા સરકારી ગેસ સિલિન્ડરની ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધાઈ હતી જે બાદ સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમીને આધારે થોડા દિવસ અગાઉ તલોદ તાલુકાના રણાસણ રોડ પર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ વાનમાં જઈ રહેલા બે ઈસમો શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં પકડાયેલા કપડવંજ તાલુકાના સાવલી અને કરશનપુરા ગામના બંને ઈસમોએ કપડવંજમાં ભાડાનું મકાન રાખી રહેતા હતા અને તેઓ પોતાની વાનમાં ગેસ સિલિન્ડરની ચોરી કરવા માટે લોખંડની કોસ અને ડિસમિસ લઈને જતા હતા ત્યારબાદ પોલીસે વાહન નંબર જીજે.૦૭.ડીએ. ૪૪૫૦ ને ઝડપી લેતા તેમાંથી ગેસની ૨ બોટલ મળી આવી હતી પોલીસે આ બંને ઈસમોને હિંમતનગર લાવી કડક પૂછપરછ કર્યા બાદ તેમાં કપડવંજમાં રહેતો એક યુવાન પણ સંડોવાયેલો હોવાનું કબૂલ્યું હતું જેથી પોલીસે પકડાયેલા બંને ઈસમોને સાથે રાખી કપડવંજ જઈને આરોપીને શોધી કાઢ્યો હતો ત્યારબાદ પકડાયેલા ત્રણેય ઈસમોએ અત્યાર સુધીમાં ઈડર,હિંમતનગર, ગાંભોઈ ,તલોદ, પ્રાંતિજ, ચિલોડા, રખિયાલ, દહેગામ અને કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં મળી અંદાજે ૨૮ સ્થળેથી ગેસ સિલિન્ડરની ચોરી કર્યાની કબુલાત આપી હતી ત્યારબાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા ૭૨ હજારની કિંમતના ૪૮ ગેસ સિલિન્ડર અને મારુતિ વાન મળીને અંદાજે રૂપિયા ૧,૬૦,૫૬૦ ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution