લખનૌ-
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે સવારે ફટાકડાના વેરહાઉસમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના વોર્ડ નંબર 11 માં થયો હતો. ગીચ વસ્તી વચ્ચે ગેરકાયદેસર ક્રેકર ફેકટરી ચાલતી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહતની કામગીરી ચાલી રહી છે.
કુશીનગર પોલીસના જણાવ્યા અનુસાર, કપ્તાનગંજ પોલીસ સ્ટેશનના વોર્ડ નંબર 11 માં આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બુધવારે સવારે કેટલાક લોકો ફટાકડા બનાવી રહ્યા હતા. ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે આસપાસના મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.