નડિયાદ, તા.૧૭
નડિયાદ-ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચના મોત નીપજ્યાં હતા. જ્યારે પાંચ જણને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમના પત્ની કૌસરબીબી, તેમના દીકરી સીમાબેન, સીમાબેનની પુત્રી ઝીયા તેમજ તેમના સંબંધીની પુત્રી ઈનાયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પરિવાર કારમાં સવાર હતો. એ સમયે પાછળથી અન્ય કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. તેઓ વડોદરા તરફથી અમદાવાદ જતા હતા અને એ સમયે ઘટના સર્જાઈ હતી.
વીડિયોકોલ કરી ઈજાગ્રસ્તોની ઓળખ મેળવાઈ
આ ઘટનામાં પ્રમુખ ચંદુલાલ પટેલ, સમીરાબેન યાકુબભાઈ શેખ, જીયાબાનુ વસીમભાઈ શેખ, સહદ શેખ અને નીદાબાનુ ઈમરાન શેખને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ઘટનાની જાણ થતાં તેમના નજીકના સંબંધીઓ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરંતુ ઈજાગ્રસ્ત કોણ છે તે તેમને જાણ ન હોવાથી તેમના ઓળખીતાઓને વીડિયો કોલ કરીને તેઓ તેમના નામ-ઠામ પૂછીને ઓળખાણ કાઢી રહ્યા હતા.
કારની સ્પીડ
૧૦૦ કિ.મી. આસપાસ હતી
અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો ચાલક સાણંદનો પ્રમુખ પટેલ હતો. અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની આસપાસ હોવાનું લોકો કહી રહ્યા હતા.તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે નશોની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.