વિકસિત દેશ બનવા માટે ‘૩ આઈ’ વ્યુહરચના

વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ 'મિડલ ઇન્કમ ટ્રેપ’ એટલે કે 'મધ્યમ આવકની જાળ’ના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૧૯૭૮થી દર વર્ષે વિશ્વ બેંક દ્વારા ‘વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ’ પ્રકાશિત કરવામાં આવે છે. આ અહેવાલ દર વર્ષે આર્થિક વિકાસના એક ચોક્કસ પાસાને પસંદ કરે છે. ૨૦૨૪ના અહેવાલમાં ઉચ્ચ આવક ધરાવતા વિકસિત દેશ બનવા તરફ ભારત અને ચીનની સાથે સાથે ૧૦૬ અન્ય દેશો માટે ઊભા થનારા સંભવિત પડકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ બેન્કનો આ અહેવાલ સૂચવે છે કે ૧૦૮ મધ્યમ આવક ધરાવતા દેશો વિશ્વની ૭૫ ટકા વસતી ધરાવે છે અને વૈશ્વિક જીડીપીમાં ૪૦ ટકાનું યોગદાન આપે છે. તદુપરાંત વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ૬૦ ટકા ફાળો આ દેશોનો છે. આ અહેવાલ સૂચવે છે કે 'મધ્યમ આવકની જાળ’માં ફસાવું ન હોય તો તેઓ સામે ઘણા પડકારો આવશે જેનો ગંભીરતાથી સામનો કરવો પડશે. જાે ગંભીરતાથી સામનો કરવામાં નહીં આવે તો આવા દેશો 'મધ્યમ આવકની જાળ’માં ફસાઈ શકે છે.

પહેલી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલ અહેવાલ સૂચવે છે કે અમેરિકાની માથાદીઠ આવક સુધી પહોંચવામાં વર્તમાન ગતિએ ચીનને ૧૦ વર્ષ લાગી શકે છે, ઇન્ડોનેશિયાને ૭૦ વર્ષ લાગી શકે છે અને ભારતને ૭૫ વર્ષ જેટલો સમય લાગી શકે છે. છેલ્લા ૫૦ વર્ષના અનુભવ પછી વિશ્વ બેન્ક તારણ આપે છે કે જેમ જેમ દેશો સમૃદ્ધ થાય છે અને માથાદીઠ વાર્ષિક યુએસ જીડીપીના ૧૦ ટકા સુધી પહોંચી તો જાય છે. પરંતુ ત્યારબાદ તેઓ એવી જાળમાં ફસાઈ જાય છે જેમાં તેમની વૃદ્ધિ અટકી જાય છે અને અંતે એ દેશોના અર્થતંત્રને ઉચ્ચ સ્તરે પહોંચતા અટકાવે છે. શું વિશ્વ બેન્કના આ અનુભવ પરથી ભારતે બોધપાઠ લઈ લીધો છે? શું આ અહેવાલ સાચો છે? શું તથ્યો ભારતની તરફેણમાં છે? શું ભારત પડકારો ઝીલીને ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ થઈ શકશે? આ વિષય પર આપણે વિગતે સમજીએ.

વિશ્વ બેન્કનો આ અહેવાલ સૂચવે છે કે મધ્યમ આવક જુથમાંથી ઉચ્ચ આવક જૂથના દેશમાં સામેલ થવા માટે આર્થિક નીતિઓમાં વ્યાપક અને ક્રાંતિકારી પરિવર્તનો અનિવાર્ય છે. મધ્યમ આવકની જાળમાં ન ફસાવવું હોય તો વિશ્વ બેન્ક ‘૩ આઈ’ વ્યૂહરચનાનું સૂચન કરે છે. ૩ આઈ એટલે (૧)ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) (૨) ઇનફયુઝન (વિદેશી ટેકનોલોજીનો દેશના વિકાસ માટે ઉપયોગ) અને (૩) ઇનોવેશન (દેશના યુવાઓના ટેલન્ટનો ઉપયોગ કરીને વ્યાપક સંશોધન દ્વારા ઇનોવેશનને પ્રોત્સાહન). ૩ આઈ વ્યૂહરચનામાં ભારતમાં વર્તમાનમાં કેવી આર્થિક નીતિઓ છે તે અંગે જાેઈશું તો ખ્યાલ આવી જ જશે કે ભારત વિકસિત દેશ બનવા માટે યોગ્ય રસ્તા પર છે.

વિકસિત દેશ તરફ પગરવ માંડવા માટે ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશી ઉચ્ચ ટેક્નોલોજીને દેશમાં લાવવાની સાથે સાથે દેશમાં જ સંશોધનથી નવી ટેકનોલોજી વિકસિત કરવા માટે નીતિઓ ઘડાવી જાેઈએ. માત્ર વિકસિત દેશો પાસેથી ઉચ્ચ ટેકનોલોજી અને વિચારો ઉછીના ન લેવા જાેઈએ પરંતુ સાથે સાથે દેશને અનુકૂળ હોય એ રીતે વ્યૂહાત્મક વ્યવસ્થાઓ ગોઠવાવી જાેઈએ. વિદેશી મૂડી રોકાણને આકર્ષવા માટે યોગ્ય નીતિઓના નિર્ધારણ સાથે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ૨૦૧૪-૧૫માં ભારતમાં વિદેશી મૂડી રોકાણ ૪૫.૧૫ બિલિયન યુએસ ડોલર હતું જે ૨૦૨૩-૨૪માં વધીને ૭૦.૯૫ બિલિયન યુએસ ડોલર થયું છે. ‘મેક ઇન ઈન્ડિયા’ દ્વારા વિદેશી ટેકનોલોજીને દેશમાં લાવીને ઉત્પાદન ભારતમાં જ કરવાની વ્યૂહરચના મોદી સરકારે અપનાવી છે. તેના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ખૂબ જ વેગથી વિકાસ થઈ રહ્યો છે. આ યોજના અંતર્ગત જ સેમી-કંડકટરનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવાના પ્રયાસોએ રંગ રાખ્યો છે તો એવિએશન અને ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં જ ઉત્પાદન શરૂ થયું છે. તદુપરાંત ‘આર્ત્મનિભર ભારત’ દ્વારા દેશમાં જ બનેલી નવી ટેકનોલોજી દ્વારા અર્થતંત્રને એક આગવો વેગ આપવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. 'વન-ડિસ્ટ્રિક્ટ-વન-પ્રોડક્ટ’ની યોજનાથી દેશના દરેક જિલ્લામાંથી સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર અને ઉત્પાદનને સરળ બનાવવામાં આવ્યું છે અને કારીગરો અને હેન્ડલૂમના ઉત્પાદકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. હસ્તકલા, કાપડ, કૃષિ અને પ્રોસેસ્ડ ઉત્પાદનો 'આર્ત્મનિભર ભારત’ યોજના હેઠળ વિદેશો સુધી પહોંચ્યા છે જેના કારણે દેશના વિવિધ પ્રદેશોના સામાજિક-આર્થિક વિકાસમાં મજબૂતી આવી રહી છે.

વર્તમાનમાં ભારતમાં ૬૫ ટકા વસતી ૩૫ વર્ષથી નાની છે એટલે કે ભારત યુવાઓનો દેશ છે. આ ડેમોગ્રાફિક ડિવિડન્ડને ધ્યાનમાં રાખીએ તો ભારત આ અવસર ગુમાવી જ ન શકે. યુવા વસતી માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમો શરૂ કરીને સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુવાઓમાં રહેલ ઇનોવેટિવ સ્કિલ્સને બહાર લાવવી જાેઈએ. આ વર્ષના બજેટમાં ઇન્ટર્નશીપને મહત્વ આપીને ભારતે આ યુવાશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી જ દીધું છે. ઇન્ટર્નશીપ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય વ્યવહારિક કાર્ય અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. ઇન્ટર્ન્સ તેમનો ઓછામાં ઓછો અડધો સમય નોકરીના વાતાવરણમાં વિતાવશે, અનુભવ મેળવશે જે તેમને નોકરી માટે તૈયાર કરવા માટે નિર્ણાયક બની રહેશે. વાસ્તવિક નોકરીના વાતાવરણમાં ઇન્ટર્ન્સને તાલીમ આપીને તેમને તેમની પસંદ કરેલી કારકિર્દીમાં ખીલવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરવાનો મૂળ હેતુ ઇન્ટર્નશીપ યોજનાનો છે.

હવે ભારતે આવનારા સમયમાં સક્ષમ માનવ મૂડી ઊભી કરવા માટે સારી શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારી પ્રાપ્ત કરી શકે એવા કૌશલ્ય સાથેના કાર્યક્રમો તાલુકા સ્તર સુધી શરૂ કરવા પર ધ્યાન આપવું પડશે. વૈશ્વિક ધોરણો પ્રાપ્ત કરવા માટે કૌશલ્યવર્ધન માટે સંસ્થાઓ સ્થાપવી તથા જે છે એને અપગ્રેડ કરવી એ સમયની માંગ છે. ભારતનો યુવા મહત્વાકાંક્ષી છે અને તેના ધ્યેય બહુ જ ઊંચા છે ત્યારે ભારતે વિકસિત દેશ બનવા માટે યુવા શક્તિને જ મજબૂત કરવાની વ્યૂહરચના ઘડવી પડશે. ભારતે નોકરી પ્રાપ્ત કરવા ઇચ્છુક યુવાઓના સ્થાને અન્યને રોજગારી આપી શકે એવા કૌશલ્યને કેળવવા માટે આયોજન કરવું પડશે.

દાયકાઓથી ભારત સામાજિક અને આર્થિક અસમાનતાઓનો સામનો કરી રહ્યું છે. ૨૦૨૪ સુધી વિકસિત ભારત તરફ વધવું હશે તો દેશની આર્થિક અને સામાજિક નીતિઓ સર્વસમાવેશી કરવી પડશે. વિશ્વ બેન્કે એના અહેવાલમાં ૩ આઈ વ્યૂહરચના સૂચવી છે તેમાં ભારત તો જ સફળ થઈ શકશે જાે તે સર્વ માટે કલ્યાણકારી યોજનાઓ લાવે. વિકસિત ભારત બનવા માટે આર્થિક અને સામાજિક અસમાનતાઓ દૂર કરવી અનિવાર્ય છે. નીતિ નિર્ધારકોની આ સવિશેષ જવાબદારી રહેશે.

૩ આઈ વ્યૂહરચનાથી ભારતે તેના નાગરિકો માટે વધુ સારી અને વધુ સમાન તકો સુનિશ્ચિત કરવાની છે અને સાથે સાથે નાગરિકોના જીવનધોરણને અપગ્રેડ કરવું પડશે. યુવા માનવ સંશાધનોની ક્ષમતાઓમાં વધારો કરવાથી વિકસિત ભારત તરફ કદમ બહુ આસાનીથી મૂકી શકાશે અને ૨૦૪૭ સુધી ભારતને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution