એક જ દિવસમાં ૩ બ્રિજ ધરાશાયી થયા: ૧૫ દિવસમાં સાતમી ઘટના


પટના:બિહારની સ્થાનિક બોલીમાં એક કહેવત વારંવાર બોલાય છે, ‘ગઈ ભેંસિયા પાની મેં.’ આજકાલ આ વાક્યપ્રયોગ જાણે બિહારમાં ફરી એકવાર લોકજીભે ચઢી ગયો છે. બિહારમાં નદીઓ પર બનાવેલા નાના-મોટા પુલ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે. આજે સીવાનના મહારાજગંજમાં એક જ દિવસમાં ત્રણ પુલ ધરાશાયી થઈ ગયા, જેમાં ગંડક નદી પરના બે પુલ અને ધમહી નદી પરનો એક પુલ સામેલ છે. આ ઘટનાઓને પગલે ચોમાસામાં જ અહીંના અનેક ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. જાે કે મહારાજગંજના આ પુલ નબળા પડી ગયો હોવાથી સ્થાનિક તંત્રે ત્યાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

બિહારના સીવાન જિલ્લામાં એક જ દિવસમાં ૩ બ્રિજ તૂટવાના અહેવાલ સામે આવ્યા છે. બ્રિજ તૂટવાની આ ઘટના મહારાજગંજ વિસ્તારમાં બની હતી. એક દિવસમાં ૩ બ્રિજ તૂટવાને લીધે અનેક ગામ સંપર્કવિહોણાં થઈ ગયા છે. માહિતી અનુસાર ગંડક નદી પર ૨ પુલ અને ધમકી નદી પર બનેલો એક પુલ તૂટી પડ્યો હતો. તંત્રનું કહેવું છે કે બ્રિજ નીચેથી માટીના વધારે પડતાં ધોવાણને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. જાેકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. દેવરિયા પંચાયતના પડાઈન ટોલા અને સિકંદરપુરા નૌતન નજીક ગંડકી નદી પર બનેલો બ્રિજ તૂટ્યો હતો. જ્યારે ટેઘડા પંચાયત અને તેવથા પંચાયત વચ્ચે ધમહી નદી પર બ્રિજ તૂટવાની ઘટના સામે આવી હતી.

માહિતી અનુસાર દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો. જેના કારણે આજુબાજુના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ ૧૦ દિવસ પહેલા જ એક બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. ત્યારે આજે ફરી એકવાર ૩૫ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કે બ્રિજ બાદ એક પણ વખત તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે બ્રિજ ધરાશાયી થયો હતો.

સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉનો બ્રિજ તૂટી પડવાની ઘટના પણ માટીના વધુ પડતા ધોવાણને કારણે થઈ હતી. આ બ્રિજ પણ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો છે. કેટલાક લોકોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવી હતી. દેવરિયા પંચાયતના વડા અને સ્થાનિક સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ બ્રિજ ૧૯૯૮માં તત્કાલિન સાંસદ પ્રભુનાથ સિંહ દ્વારા રૂપિયા ૬ લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજાે (ધામી નદી પરનો) બ્રિજ ૨૦૦૪માં રૂપિયા ૧૦ લાખના ખર્ચે બનાવડાવ્યો હતો. નોંધનયી છે કે અગાઉ સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો બ્રિજ જૂનની ૨૨મીએ અચાનક તૂટી પડ્યો હતો. પહેલા બ્રિજનો એક પિલર પડી ગયો અને થોડીવારમાં આકો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના દારૌંડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની હતી. પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બનેલો બ્રિજ પણ ઘણો જૂનો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution