ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. તેલુગુ ટીવી અભિનેત્રી શ્રવણી કોંડાપલ્લીએ મંગળવારે રાત્રે પોતાના ફ્લેટમાં લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે 26 વર્ષની હતી. અભિનેત્રીનો ફ્લેટ મધુરા નગરમાં હતો. એસઆર નગર પોલીસ મથકે ગુનો નોંધી આ કેસની તપાસ શરૂ કરી છે.
અભિનેત્રી આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાની હતી. અભિનેત્રીએ તેની 8 વર્ષની કારકિર્દીમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. અભિનેત્રીના મોત પાછળ કુટુંબીજનોએ ખોટી રમતનો દાવો કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીના ભાઈએ દેવરાજ પર શ્રાવણી પર પૈસા માટે દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું- મારી બહેને મને કહ્યું હતું કે દેવરાજ પૈસા માટે તેને બ્લેકમેલ કરે છે.
અભિનેત્રીની ડેડબોડીને ઉસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાશે. આ કેસમાં પોલીસ દેવરાજ નામના વ્યક્તિની શોધ કરી રહી છે, જે ટિક્ટોક દ્વારા અભિનેત્રીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતા હોવાની પણ ચર્ચા થઈ છે.
તાજેતરમાં જ અનેક કલાકારોની આત્મહત્યાના સમાચાર બહાર આવ્યા છે. આમાં સૌથી મોટો કિસ્સો સુશાંત સિંહ રાજપૂતનો છે. સુશાંતસિંહે 14 જૂને તેના બાંદ્રાના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ ત્રણ મોટી એજન્સીઓ (સીબીઆઈ, એનસીબી, ઇડી) કરી રહી છે.