૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસેન રાણાની અમેરિકામાં ફરીવાર ધરપકડ

લોસ એન્જલસ, તા. ૨૦ 

મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાના ષડયંત્રના મામલે સજા કાપી ચુકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ફરીથી ધરપકડ કરી લેવામાં આવી છે. તહવ્વુર રાણાને ભારત મોકલાય તેવી પ્રબળ સંભાવના છે. મુંબઈ આતંકી હુમલામાં ષડયંત્રકારી પાકિસ્તાની-કેનેડિયન મૂળના તહવ્વુર રાણા વિરુદ્ધ ભારતને પ્રત્યાર્પણનો કેસ હજુ પેન્ડિંગ છે.

જાણવા મળી રહ્યું છે કે બે દિવસ પહેલા તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો પરંતુ અમેરિકી તંત્રએ તેની બીજીવાર ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારત અમેરિકી તંત્રના સહયોગથી પાકિસ્તાની કેનેડિયન નાગરિકના પ્રત્યાર્પણ માટે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી રહ્યું છે. રાણાની જેલની સજા ૧૪ વર્ષની હતી જે ડિસેમ્બર ૨૦૨૧માં પૂરી થવાની હતી પરંતુ તેને જલદી છોડી મુકવામાં આવ્યો હતો.  તહવ્વુર રાણાની મુંબઈ ૨૬/૧૧ના હુમલાનું ષડયંત્ર રચવાના આરોપસર ૨૦૦૯માં ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકીઓએ કરેલા હુમલામાં અમેરિકી નાગરિકો સહિત આશરે ૧૬૬ લોકોના જીવ ગયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution