મોડાસા, મોડાસા શહેરના બહુ ચર્ચિત ધી પીપલ્સ સહકારી શરાફી મંડળી લીના રૂ. ૧૨,૦૦,૦૦૦ કરતાં વધુના નાણાકીય કૌભાંડ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયેલા આરોપીઓને શનિવારે મોડાસા સબજેલથી ચુસ્ત પોલીસ જાપ્તા સાથે અમદાવાદની સાબરમતી જેલ મોકલી દેવાયા હતા વહેલી સવારે મોડાસા સબજેલ આગળ માલપુર રોડ ઉપર મેળા જેવો માહોલ ઉભો થયો હતો. આ માહોલમાં કૌંભાડી ઓને મળવા આવેલા એક કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો હતો. શરાફી મંડળીના વહીવટ કર્તાઓ તેમજ ડિરેક્ટર, ઉપપ્રમુખ પ્રમુખ મેનેજિંગ ડિરેક્ટર સહિતના ૨૮ હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. બે કોર્ટે ૨૮ આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારતાં શનિવારે આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલ ખાતે ચુસ્ત પોલીસ જાપતા સાથે ખસેડાયા હતા. સજા પામેલા ૨૮ આરોપીઓમાંથી ૪ના મોત થયા હતા અને ત્રણ આરોપી સારવાર હેઠળ હોવાથી ૨૧ આરોપીઓને સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીને મળવા આવેલા કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો
આરોપીઓને સાબરમતી જેલ ખસેડવામાં આવતા હોવાની જાણકારી મળતા માલપુર રોડ ઉપર મોટી સંખ્યામાં થાપણદારો અને તેમના સગા સંબંધી પડ્યા હતા. આ સમયે એક કોર્પોરેટર આરોપીઓને મળવા મોડાસા સબ જેલ ખાતે આવ્યા હતા અને કોર્પોરેટર બહાર નીકળતા જ લોકોએ તેનો ઉધડો લેતા કોર્પોરેટરે ચાલતી પકડી હતી.