છત્તીસગઢમાં કમાન્ડર જયરામ સહિત ૨૦ નક્સલી ઠાર


છત્તીસગઢ:છત્તીસગઢના ગારિયાબંદમાં છેલ્લા ૩૬ કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ ૨૦ નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કુલ્હાડીઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે.

અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા સામેલ હતી. આજે સવારે વધુ ૨૦ નક્સલવાદીઓના શબ કબજે કરી લેવાયા છે. તેમની પાસેથી અનેક ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૂત્રો અનુસાર, ઓડિશા સ્ટેટના નક્સલવાદી ચીફ જેના માથે એક કરોડનું ઈનામ છે તે જયરામ ઉર્ફ ચલપતી પણ ઠાર થયો છે. સીસીએમ મનોજ અને ગુડ્ડુ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

અથડામણમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. જેને એરલિફ્ટ કરી રાયપુર લવાયો હતો. ઓડિશા-છત્તીસગઢ સુરક્ષાદળના જાેઈન્ટ ઓપરેશનમાં સામેલ લગભગ ૧ હજાર જવાનો નક્સલવાદીનો ખાતમો બોલાવી રહ્યા છે. ઓડિશા-છત્તીસગઢના સુરક્ષા દળોની કુલ ૧૦ ટીમે નક્સલવાદીઓ વિરૂદ્ધ જાેઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસમાં વધુ નક્સલવાદીઓના શબ મળવાની સંભાવના છે. હાલ જપ્ત કરવામાં આવેલા મૃતદેહોની ઓળખ થઈ રહી છે.

છત્તીસગઢના ડેપ્યુટી સીએમ અરૂણ સાઉએ ગારિયાબંદ એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી નક્સલ મુક્ત દેશ બનાવવા માગે છે. જેના ભાગરૂપે સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ૧૪ નક્સલીઓને ઠાર મારવાની કવાયત પ્રશંસનીય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution