નોકરીના બહાને ૨૦ ભારતીયોને મ્યાનમારમાં બંધક બનાવી દીધા

મ્યાનમાર:થાઈલેન્ડમાં નોકરી મેળવવાની આશાએ ગયેલા ૨૦ ભારતીય નાગરિકો હવે મ્યાનમારમાં ગુલામ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે અને હવે તેઓ ભારત પાછા આવવા માંગે છે. તેઓ ત્યાંથી છુટવા માટે વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગી રહ્યા છે. તેમના પરિવારના કેટલાક સભ્યોએ મીડિયાને આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓએ કૈરાનાના ભાજપના સાંસદ પ્રદીપ ચૌધરીને આ મુદ્દે જાણ કરી છે અને વિદેશ મંત્રીને પત્ર પણ લખ્યો છે.એક કામદારે કથિત રીતે બે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે મ્યાનમારમાં તેમની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે. વીડિયોમાં, એક માણસ કહી રહ્યો છે કે, “એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક છોકરીને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે, વધુમાં તે કહી રહ્યો છે કે, ‘અમને દુબઈના એજન્ટોએ લાલચ આપી હતી અને હવે તેઓને મ્યાનમાર બંધક બનાવીને રાખી રહ્યા છે. અહીં તેમનું રોજ ખરાબ રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે.’ માહિતી અનુસાર, ૨૦ ભારતીયોમાંથી એક કુલદીપે ૮૩ સેકન્ડના વીડિયોમાં કહ્યું, “અમારા પરિવારજનોએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ મદદ મળી નથી. અહીં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, અને તેમની સાથે એક છોકરી પણ છે જેને માર મારવાને કારણે માથામાં ઈજા થઈ છે. વધુમાં કુલદીપ કહી રહ્યો છે કે આ લોકો અમને અલગ કરી શકે છે, કાં તો અમને મારી પણ શકે છે અથવા અમારે કંઈક કડક પગલાં ભરવા પડશે.’અમને દિવસમાં ૧૮ કલાક કામ કરાવે છે અને માત્ર બે વાટકી ચોખા જમવામાં આપે છે. જાે અમે કામ કરવાની ના પાડીએ તો અમને મારવામાં આવે છે અને સજા તરીકે અમને ૧૦ કિલોમીટર દોડવે પણ છે. અમે અમને બચાવવા માટે વિદેશ મંત્રાલયને ભારપૂર્વક વિનંતી કરીએ છીએ.’કુલદીપના ભાઈ રાહુલે જણાવ્યું કે, “કુલદીપે ગુપ્ત રીતે આ વીડિયો એક છુપાયેલા ફોનથી રેકોર્ડ કર્યો હતો. તે ૨૨ એપ્રિલે સહારનપુરથી નીકળ્યો હતો અને પછી દિલ્હીથી બેંગકોક ગયો હતો. ત્યાંથી તેને બોર્ડરથી થોડે દૂર મે સોટ એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેઓને આંખે પાટા બાંધીને મ્યાનમારના જંગલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યારથી તેઓ ત્યાં ગુલામ જેવું જીવન જીવી રહ્યા છે.રાહુલે જણાવ્યું હતું કે, “મારા ભાઈને અન્ય લોકો સાથે જે વાહનોમાં લઈ જવામાં આવ્યો હતો તે વાહનને લગભગ ૫-૬ કલાક સુધી સતત ફેરવ્યા હતા, જેનાથી વાહનમાં બેઠેલા મારા ભાઈ તેમજ તેના સાથીઓને એવું લાગે કે તેમને બંધક બનાવ્યા તેની જગ્યા એરપોર્ટથી લગભગ સો કિલોમીટર દૂર છે. પરંતુ એવું નથી, માયાવાડી વિસ્તાર એરપોર્ટથી માત્ર ૫ કિમી દૂર આવેલો છે અને આ વિસ્તાર મ્યાનમારમાં જ છે. બંધક બનાવનાર મ્યાનમારની કંપનીનું કહેવું છે કે તેઓએ ભારતીયોને ૭,૫૦૦ ડોલરમાં ખરીદ્યા છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution