ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટ્યું એક જ રાતમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકયો


અંકલેશ્વર:ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો છે.જેના કારણે ડહેલી,દેસાડ,સોડગામ સહિતનાં ગામોમાં પાણી ભરાતા ગામમાંથી લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી,જ્યારે વિવિધ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થવાની સાથે સંપર્ક વિહોણા થયા હતા.વાલિયા તાલુકામાં આભ ફાટતા અંદાજીત ૧૨ કલાકથી વધુ સમયમાં ૧૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે ડહેલી,દેસાડ અને સોડગામ ગામમાં વરસાદી પાણી ભરાયા હતા,અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા,જ્યારે કિમ નદીના જળસ્તરમાં વધારો થતા લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો.આ ઉપરાંત ટોકરી નદીમાં જળસ્તરમાં વધારો થતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા,જ્યારે મોતીપુરા,ગુંડીયા,કડવાલી,નવાપરા,બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થતા રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.વધુમાં માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે એક હાઇવા ટ્રક પલટી મારી ગઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution