અમદાવાદ-
મંગળવારે રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે 8 બેઠકો પર કુલ 18.75 લાખ મતદારો છે. જેમના માટે 18 હજાર 700 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. 1 બુથ પર 1 હજાર લોકો મતદાન કરી શકશે. ચૂંટણી માટે 819 ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે.
તો 900 જેટલા વેબ કાસ્ટિંગ છે. ખર્ચ નિરીક્ષણ માટે ફ્લાઇંગ સ્કવોર્ડ તૈનાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કોરોનાની મહામારી વચ્ચે યોજાનારી મતદાનની પ્રક્રિયાને લઇને ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે. તંત્ર દ્વારા 3 હજાર 400 થર્મલ ગન તેમજ પોલીસ અને ય સ્ટાફ માટે 42 હજાર એન-95 માસ્કની વ્યવસ્થા કરાઇ છે. 50,000 પોસ્ટલ બેલેટથી મતદાન થયું છે.
ચૂંટણી પર નિરીક્ષણ કરવા માટે 8 જનરલ ઓબ્ઝર્વર તેમ જ 8 ખર્ચ માટેના ઓબ્ઝર્વરની નિમણૂક કરાઇ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફલાઇંગ સ્કવોડ, 27 સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. ઉપરાંત 18 વિડીયો સર્વેલન્સ ટીમ, 8 વિડીયો વ્યૂઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરાઇ છે.
ચૂંટણી ખર્ચ ઉપરાંત નિયંત્રણ ટીમ તેમ જ રાજય આબકારી અને નશાંબંધી વિભાગ દ્વારા 1લી નવેમ્બર સુધીમાં 1 કરોડની કિંમતનો દારુનો જથ્થો જપ્ત કરાયો છે. જયારે ભરૂચ જિલ્લામાંથી 25 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. તેની તપાસ પોલીસ તેમ જ આવકવેરા વિભાગ દ્વારા થઇ રહી છે. ઉમેદવારના ચૂંટણી ખર્ચના રજીસ્ટરની ત્રણવાર ચકાસણી કરાઇ હતી.
પ્રત્યેક ચકાસણી બાદ ઉમેદવારના ખર્ચ રજિસ્ટર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. આ સંબંધે ચૂંટણી અધિકારી દ્વારા પ્રથમ ઇન્સ્પેકશનના અંતે 16 ઉમેદવારોને તથા બીજા ઇન્સ્પેકશનના અંતે 3 ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે.
કોવિડ 19ની માર્ગદર્શિકાનું પાલન કરાવવા આરોગ્ય વિભાગના અધિક નિયામક કક્ષાના અધિકારીને રાજય નોડલ અધિકારી તરીકે અને જિલ્લાઓમાં જિલ્લા નોડલ અધિકારીઓની નિમણૂંક કરાઇ છે. આશરે 34000 થર્મલ ગન, 41 હજાર એન95 માસ્ક તથા 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબ્બર હેન્ડ ગ્લોસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવ્સ ( મતદાર દીઠ એક નંગ ) આરોગ્ય વિભાગ દ્રારાચૂંટણી અધિકારીઓને આપવામાં આવ્યા છે.
કોવીડ પોઝીટીવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલીસ પાર્ટી માટે 8 હજાર પી.પી.ઇ. કીટસની વ્યવસ્થા કરાઇ છે. મતદાનના દિવસના એક દિવસ પહેલાં તમામ મતદાન મથકો સેનિટાઇઝ કરાશે. ઉપરાંત મતદાન એજન્ટો, અધિકારીઓ, સુરક્ષા કર્મીઓ અને મતદારોના ઉપયોગ માટે મતદાન કેન્દ્રો પર પુરતા પ્રમાણમાં સેનિટાઇઝર, સાબુ અને પાણી ઉપલબ્ધ રાખવામાં આવશે.
મતદાનના દિવસે મતદાન મથકો પર કોવિડ હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવશે. તાલીમ દરમિયાન, ડીસ્પેચ સમયે, મતદાનના દિવસે, રીસીવીંગ સમયે અને મતગમતરીના દિવસે તબીબી કટોકટીને પહોંચી વળવા માટે મોબાઇલ તબીબી ટીમો તૈયાર રખવામાં આવશે.