નવી દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, યુક્રેન સામે યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં તૈનાત ઓછામાં ઓછા ૧૬ ભારતીય નાગરિક લાપતા છે. જાેકે, યુદ્ધમાં અત્યાર સુધી ૧૨ ભારતીયોના મોત થયા છે. આ નિવેદન ભારત દ્વારા યુક્રેનમાં કેરળના એક વ્યક્તિના મોત બાદ રશિયન સેનાને ભારતીય નાગરિકોની જલ્દીથી જલ્દી મુક્તિ માટે નવેસરથી કરેલી અરજી બાદ કરાયું હતું. યુક્રેન યુદ્ધમાં રશિયા માટે લડી રહેલાં ભારતીય નાગરિકોની સ્થિતિ ભારત માટે એક મોટી ચિંતા બની ગઈ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બિનીલ બાબુના મૃત્યુને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમારું દૂતાવાસ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે. અમે ભારતીય લોકોના મૃતદેહને વહેલામાં વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રશિયાથી ૧૬ ભારતીય નાગરિક લાપતા થયા છે. આ સિવાય વધેલાં ભારતીય નાગરિકોની જલ્દીથી મુક્તિ અને સ્વદેશ વાપસીની માગ કરી છે. યુક્રેનની સેના સામે લડતાં-લડતાં અત્યાર સુધીમાં ૧૨ ભારતીયના મોત થયા છે. હાલ, ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હોય તેવા ૧૨૬ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૯૬ લોકોને ભારત પરત લવાયા છે. રશિયન સેનામાં હજુ સુધી ૧૮ ભારતીય નાગરિક ફરજ પર છે તેમાંથી ૧૬ લાપતા છે. રશિયા દ્વારા તેઓને લાપતાની શ્રેણીમાં રખાયા છે.