૧૫ રાજનર્તકી રાજા લખપતજી પાછળ સતી થઈ

જેના અતીત વિશે ઘણું વિસરાઈ ગયું છે એવો ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો કચ્છ જિલ્લો આજથી અડધી સદી પહેલાં એક સ્વતંત્ર્ય રાજ્ય હતું.ભારતની સ્વાધિનતા પહેલાંના સળંગ ૪૩૮ વર્ષ સુધી જાડેજા રાજવીઓએ અહીં શાસન કર્યુ. આ જાડેજા રાજવીઓમાં સાહિત્ય અને કળાને પોષનારા રાજવી તરીકે રાવશ્રી લખપતજી(ઈસવી સન ૧૭પર– ૧૭૬૧) જાણીતા છે.

લખપતજીનો જન્મ ર૮મી ઓકટોબર,૧૭૧૦, આસો સુદ ૯ સંવત ૧૭૬પનાં રોજ થયો હતો. તેમની માતાનું નામ મણકુંવર હતું. કુમાર લખપતજીનો ઉદાર સ્વભાવ ઉડાઉપણામાં પરિણમ્યો, નાણાભીડ તેમની સ્વતંત્ર્યતામાં આડખીલીરૂપ લાગતાં ર૪ વર્ષની વયે ઈસવીસન ૧૭૩૪ના તેમના પિતા કચ્છના રાવશ્રી દેશળજીને કેદ કરી કચ્છ રાજ્યની લગામ પોતાના હાથમાં લઈ લીધી હતી. માંડવી સિવાયના બધા થાણેદારો અને ગરાસદારો પર પોતાની સત્તા સ્થાપી, પણ ખરી રીતે તેમનો રાજ્યાભિષેક રાવશ્રી દેશળજીના દેહાંત પછી સંવત ૧૮૦૭, ઈસવીસન ૧૭પરમાં થયો.

યુવાવસ્થામાં જ લખપતજી પરાક્રમી અને શુરવીર હતા. અમદાવાદનો સુબો શેર બંલંદખાને ઈસવીસન ૧૭૩૦માં કચ્છ પર ચઢાઈ કરી ત્યારે કુંવર લખપતજીએ તેને પરાજીત કરી રંગ રાખ્યો હતો. વીસ વરસની ઉંમરના લખપતજીના આ પરાક્રમથી કચ્છની પ્રજા તેમના વારી ગઈ હતી.

આ લડાઈ સિવાય એ સમયે કચ્છમાં શાંતિ પ્રવર્તતી હતી. પરિણામે ભુજની પ્રજામાં કળા, સાહિત્ય અને સંસ્કૃતિનો વિકાસ થયો જેને લખપતજીનું પીઠબળ મળ્યું. એ સમયે કચ્છમાં કળા અને સંસ્કૃતિના વિકાસને મોકળું મેદાન મળ્યું. લખપતજીના પ્રોત્સાહનને કારણે રામસિંહ માલમ નામનો યુવાન હોલેન્ડથી વિવિધ હુન્નરકળાઓમાં નિપુણતા મેળવી શકયો. અને કચ્છમાં ચિત્રકામ, સોના–ચાંદી પરનું 'કચ્છ વર્ક’ના નામે ઓળખાતું નકશીકામ, મીનાકારી કામ, ઘડીયાળો, તોપ અને કાચ બનાવવાના હુન્નરોનો કચ્છમાં વિકાસ થયો. પરિણામે આ સમયમાં જ ભૂજના વિખ્યાત અને સુંદર આયના મહેલનું નિર્માણ થયું.

 લખપતજીએ ભટ્ટારક કનકકુશળજી પાસે વ્રજભાષાનો અભ્યાસ કર્યો અને કનકકુશળજીને પોતાના ગુરુ બનાવ્યા. એમના વડપણ હેઠળ વિશ્વની પ્રથમ એવી કાવ્ય શિખવાની પાઠશાળા 'વ્રજભાષા પાઠશાળા’ પણ શરૂ કરાઈ આ કાવ્યશાાળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને માળવા પ્રદેશના ૩૦૦ થી વધારે કવિઓએ શિક્ષણ લીધું. ગુજરાતી ભાષાના જાણીતા કવિ દલપતરામે પણ આ પાઠશાળામાં અભ્યાસ કરેલો. તેમણે ભુજની એ યાત્રાને ‘કાવ્યયાત્રા’ નામ આપેલું.

રાવશ્રી લખપતજીના વ્યક્તિત્વ વિશે અનેક મતમતાંતર પ્રવર્તે છે. તેમના વિલાસી જીવનને કારણે રાજ્ય પર આર્થિક બોજ પણ વધ્યો. પરિણામે રાજ્ય વહીવટ અને રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતી જેમાંથી અનેક રાજકીય ખટપટનો પણ જન્મ થયો.

લખપતજી યુવરાજ તરીકે સંવત ૧૭૮૬માં દિલ્હી ગયેલા ત્યારે ત્યાના મોજશોખ, ગીત–સંગીતની મહેફીલ, મુજરાની દુનિયાથી અંજાઈ ગયા હતા. પોતે પણ કુશળ ગવૈયા અને નર્તક હોઈ દિલ્હીની ૧પ રાજનર્તકીઓ તેમના પર મોહી પડી હતી અને આજીવન તેમની સાથે રહેવાના કોડ સાથે તેમની સાથે ભુજ આવી હતી.

વિલાસી જીવન ગાળવાથી નાની વયે લખપતજીને અસાધ્ય રોગ જલંદર લાગુ પડી ગયો અને સંવત ૧૮૧૭ જેઠ સુદ ૬ના દિવસે તેમનું અવસાન થયું. લખપતજીને કાયદેસર ૯ રાણીઓ હતી, તેમાંથી મહારાણીના પેટે યુવરાજ ગોડનો જન્મ થયો હતો, એમના પછી જાેકે કુંવર ગોડ કચ્છના કચ્છાધિપતિ બન્યા હતા પણ લખપતજીને તેમની રખાત નર્તકીઓથી અનૌરસ સંતાનોમાં માનસિહ, ખાનજી, સબલસંગ, કલ્યાણજી, મેઘજી કાનજી વગેરે થયા હતા તે પૈકી કોઈ એકને પોતાની ગાદી સોપવાની ઈચ્છા હતી. તેમના અવસાન પછી દિલ્હીથી તેમની સાથે આવેલ પંદરે રાજનર્તકીઓ સતી થઈ હતી.આ પંદરે રાજનર્તકીના નામ આ પ્રમાણે હતા સદાબાઈ, રાજબાઈ, નિંદુબાઈ, પુહપબાઈ, રાધા, લાછીબાઈ, હીરબાઈ, દેવબાઈ, આસબાઈ, પદ્માબાઈ, અકુઆબાઈ, જેઠીબાઈ, રંભાબાઈ, મેઘબાઈ અને રૂપાબાઈ.

લખપતજીના અવસાન પછી રાવશ્રી રાયધણજી બીજાના સમયમાં સંવત ૧૮૩૮માં તેમની છતરડી બનાવવામાં આવી. ભુજના મહાદેવ નાકાં બહાર કચ્છના રાજકુટુંબની છતરડીઓ આવેલી છે. 'છતરડી’ એ કચ્છના જુદા જુદા રાજવી પરિવારના સભ્યોના ઘૂમ્મટ જેવા આકારો નીચે બંધાયેલાં સ્મારકો છે.

રાવશ્રી લખપતજી અને તેની પંદરે રાજનર્તકીઓની જે સ્થળે સમાધિ બનાવવામાં આવેલી છે તે પર સુંદર છતરડી બનાવવામાં આવેલી હતી. છતરડીમાં એક જ હરોળમાં વચ્ચે લખપતજી અને તેની આસપાસ એક તરફ સાત બને બીજી તરફ આઠ એક કુલ સોળ પાળિયા આવેલા હતા. એ વાતનું દુઃખ છે કે આજે સુંદર છતરડી અને સોળ પૈકીના કેટલીક નર્તકીઓના પાળિયા ઈસવી સન ર૦૦૧ની ર૬મી જાન્યુઆરીનાં રોજ કચ્છમાં થયેલ ધરતીકંપમાં તૂટી ગયા છે, છતરડી તો સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે. કેન્દ્રના પુરાતત્વ વિભાગ તરફથી આ છતરડીના પુનઃનિર્માણ માટેનું આયોજન હાથ ધરાયું છે અને કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે.

લખપતજીની આ છતરડી 'છેલ છતરડી’ના નામથી ઓળખાતી હતી, આ છતરડી કચ્છી શિલ્પ, સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપ હતી.

રાજાશાહીના સ્મરણરૂપ આ છતરડીમાં નમણી, નાજુક અને નજાકતભરી કચ્છની અદ્‌ભુત શિલ્પકળા કંડારાયેલી હતી. સ્તંભોની રચના, ઘાટ, કોતરણી, ઘૂમ્મટ અને તેમા વપરાયેલી વિશાળ શિલાઓ જાેનારને મંત્રમુગ્ધ કરતી હતી. આ છતરડીએ વિશ્વભરના કળાપે્રમીઓનું ધ્યાન ખેંચ્યું હતું. લોર્ડ કર્ઝને પણ આ છતરડી નિહાળી તેના મુક્ત કંઠે વખાણ કર્યા છે.

છતરડીના મંડોવરમાં દેવ–દેવીઓની મૂર્તિઓ કંડારાયેલી હતી. પહેરેલે કપડે કામક્રિડામાં મુગ્ધ યુગલોના શિલ્પ તો ખજુરાહોની યાદ અપાવે તેવા હતા.

લાલ પથ્થરથી બનાવાયેલ આ છતરડીના મધ્યખંડની આસપાસ ફરતી ચાલી હતી. તેના દરેક ખૂણા ઉપર શિલ્પથી અલંકૃત થાંભલાઓ હતા. દરેક સ્તંભમાં હનુમાન, ગણેશ, બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની મૂર્તિઓ સાથે સાધુઓ, મંજીરા વગાડતા ભક્તો, બ્રાહ્મણો, નર્તકીઓ, સંગીતકારો, યક્ષિણીઓ વગેરેનું શિલ્પાંકન કરવામાં આવ્યું હતું. કેટલાક સ્તંભોમાં હાથીયુદ્ધ, નર્તકીઓ, ગાયકો, વીણા, મૃદંગ, ઝાંઝ, તબલાં, ઢોલ, શરણાઈ, સિતાર, તંબુર વગેરે વગાડતા સ્ત્રી–પુઢષો, રથ ઉપર આરૂઢ સૂર્યનારાયણ, બળદ પર આરૂઢ શંકર ભગવાન, પશુ–પક્ષી, વાળ ઓળતી સ્ત્રી, દશાવતાર, ગોપીવસ્ત્રાહરણ અને કાલીયદમનના શિલ્પો હતાં. ઉપરાંત એક સ્તંભ ફીરંગી સ્ત્રી અને ફીરંગી ઘોડેસવારનું શિલ્પ અંગે્રજ અમલની અસર પણ દર્શાવતું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution