અમદાવાદ, રાજ્યની ૩૬ આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ૧.૫૮ લાખ લાઇસન્સ ડિસ્પેચ કરવાના બાકી છે. આમાંથી ૨૫ હજારથી વધુ અમદાવાદીને છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ મળ્યાં નથી. અરજદારો લર્નિંગ લાઇસન્સના છ મહિના સમયગાળામાં બેથી ત્રણ વખત વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, નાપાસ થાય તો ફરી લર્નિંગ લાઇસન્સ રીન્યુ કરવીને ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, પાસ થાય તો પણ સ્માર્ટ કાર્ડના અભાવે બેથી ચાર મહિને પાકું લાઇસન્સ મળે છે. રાજ્ય સરકારે કરેલી નવી વ્યવસ્થાના લીધે વાહનના પાકાં ડ્રાઇવિંગ લાઇસન્સધારકોને આધારકાર્ડ બેઝ્ડ રિન્યુ, ડુપ્લિકેટ કરાવવા ઉપરાંત નામ-સરનામું બદલવા માટે અરજી કરે તો આરટીઓમાં આવવાની જરૂર રહેતી નથી. આવા અરજદારો આરટીઓમાં ઓનલાઇન અરજી તો કરે છે. પરંતુ અરજી કર્યા પછી અરજદારોને ઓછામાં ઓછા એક મહિનાથી લઇ ચાર મહિના સુધી પાકાં લાઇસન્સ જ મળતાં નથી. છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ તૈયાર કરતી કંપનીની નબળી કામગીરીના લીધે અરજદારો પરેશાન થઇ ગયા છે.રાજ્યની આરટીઓમાં ૧,૫૭,૬૫૦ વાહનના પાકાં લાઇસન્સ ડિસ્પેચ થયા વગર પેન્ડિંગ છે. જેના લીધે લોકોને ટ્રાફિક પોલીસની કનડગતથી લઇ અકસ્માતમાં વાહન ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરવો હોય તો ઘણી સમસ્યાઓ પડી રહી છે.