સુરત-
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે બે દિવસથી ચાલી રહેલી ફોર્મની વહેંચણીની પ્રક્રિયા દરમિયાન ૧૩૫૧ ઉમેદવારીપત્ર વહેંચાઇ ગયા છે. હજુ મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી હોવાથી આવતીકાલથી ઉમેદવારીપત્ર લેવા માટે ધસારો વધે તેવી શક્યતા છે. મહાનગર પાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી માટે હાલમાં ૧૫ સ્થળોએ ચાલી રહેલી ઉમેદવારીપત્ર વહેંચણી પ્રક્રિયાના બીજા દિવસે વધુ ૭૫૩ ઉમેદવારીપત્ર ઉમેદવારો લઇ ગયા છે.
ગતરોજ ૫૯૮ ઉમેદવારીપત્રો વહેંચાતા અત્યાર સુધીમાં કુલ ૧૩૫૧ ઉમેદવારીપત્ર વહેંચવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કહી શકાય એવા ૫૬ ફોર્મ કતારગામ વોર્ડ નંબર ૬ માં, જ્યારે વોર્ડ નંબર ૨૨ ભટાર-વેસુમાં ૫૮, અલથાણ-ભટારમાં ૪૬ અને વરાછા- સરથાણાના વોર્ડ નંબર ૩માં ૪૨ ફોર્મનું વેચાણ કરાયું છે. ચૂંટણી અધિકારી સમક્ષ આજે બીજા દિવસે પણ એકપણ ઉમેદવારે દાવેદારી ફોર્મ ભર્યું ન હતું ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો દ્વારા મેન્ડેડ આપવાની શરૂઆત થયા બાદ સંભવતઃ બે ત્રણ દિવસમાં ઉમેદવારી નોંધાવાની શરૂઆત થશે.