નવી દિલ્હી :ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (છડ્ઢઇ)ના રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી લડી રહેલા લગભગ ૧૨૧ ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. ૩૫૯એ જણાવ્યું છે કે તેઓ ૫મા ધોરણ સુધી ભણ્યા છે. જ્યારે ૬૪૭ ઉમેદવારોએ તેમના શિક્ષણનું સ્તર ૮મા ધોરણ સુધી જણાવ્યું છે. લગભગ ૧,૩૦૩ ઉમેદવારો ૧૨મું પાસ છે. ૧,૫૦૨ ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી છે. પીએચડી કરનારા ઉમેદવારોની સંખ્યા ૧૯૮ છે. એડીઆરએ ચૂંટણી લડતા ૮,૩૬૦ ઉમેદવારોમાંથી ૮,૩૩૭ની શૈક્ષણિક લાયકાતનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. દરેક તબક્કે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. પાંચ તબક્કા પૂર્ણ થયા છે. છઠ્ઠો અને સાતમો લેગ અનુક્રમે ૨૫ મે અને ૧ જૂને યોજાશે. ૪ જૂને મતગણતરી થવાની છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કુલ ૬૨.૨ ટકા મતદાન થયું હતું. ઓડિશાની કંધમાલ લોકસભા સીટના બે પોલિંગ બૂથ પર ગુરુવારે ફરીથી મતદાન થશે. આનાથી કુલ મતદાનના આંકડા બદલાઈ શકે છે. ચૂંટણી પંચે ગુરુવારે અંતિમ આંકડા જાહેર કર્યા હતા. પંચના જણાવ્યા અનુસાર, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર કુલ ૮.૯૫ કરોડથી વધુ લાયક મતદારો હતા, જેમાં ૪.૬૯ કરોડ પુરૂષો, ૪.૨૬ કરોડ મહિલાઓ અને ૫,૪૦૯ ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. પુરુષો કરતાં મહિલાઓની ભાગીદારી વધુ હતી. ૬૧.૪૮ ટકા પુરુષો અને ૬૩ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. બિહાર અને ઝારખંડમાં પુરૂષ અને મહિલા મતદાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. બિહારમાં ૫૨.૪૨ ટકા પુરુષોની સામે ૬૧.૫૮ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. તેવી જ રીતે, ઝારખંડમાં ૫૮.૦૮ ટકા પુરુષોની સરખામણીમાં ૬૮.૬૫ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૩૮.૨૨ ટકા મતદાન થર્ડ જેન્ડર કેટેગરીમાં થયું હતું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ૬૪.૧૬ ટકા મતદાન થયું હતું. ત્યારબાદ સાત રાજ્યોની ૫૧ બેઠકો પર મતદાન થયું.