વડોદરા, તા.૧૦
કાળમુખી કોરોનાએ આજે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૮ દર્દીઓએ હોસ્પિટલના બિછાને અંતિમશ્વાસ લીધા હતા. જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલના બે કેદીઓ સહિત નવા ૬૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૩૦૦૦ નજીક એટલે કે ર૯રર પર પહોંચી હતી. તેની સામે ૬૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૭૬૫ દર્દીઓ પૈકી ૫૯૧ દર્દીઓની સ્થિતિ સુધારા પર, ૧૩૬ ઓક્સિજન પર, ૩૮ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ૪૮૮ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જે પૈકી ૬૯ પોઝિટિવ અને ૪૧૯ નેગેટિવ આવ્યા હતા. આજે મોતને ભેટેલા મૃતકોને ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોનામાં મૃત્યુ પામ્યાનું સમર્થન આપવામાં ન આવતાં કોરોનાનો
મૃત્યુઆંક ૫૭ પર જ રહેવા પામ્યો છે. આજે મૃત્યુ પામેલાઓમાં ખેડૂત, આઈપીસીએલના નિવૃત્ત કર્મચારી, એકાઉન્ટન્ટ સહિત ગૃહિણીનો સમાવેશ થાય છે.
શહેરના સુભાનપુરા સમતા રોડ પર આવેલ અરુણાચલ પાસેના અમરનગરમાં રહેતા અને આઈપીસીએલના સીએસડી વિભાગમાંથી કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે નિવૃત્ત થયેલા ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વડસર રોડ પર બેલાબોંગ સ્કૂલ પાસે આવેલ વિસ્ટેરિયા બંગલોઝમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલાને કિડનીની બીમારીને કારણે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં તેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ મહિલાને આઈસોલેશનમાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
નાગરવાડા નવીધરતી ગોલવાડમાં ઓમશાંતિ સદનમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ૪૯ વર્ષીય વ્યક્તિને કોરોના થતાં તેમને સારવાર માટે સમા-સાવલી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં સારવાર વેળા તેમનું મોત નીપજ્યું હતું. સાવલી તાલુકાના રાણિયા ગામે રહેતા ૪૬ વર્ષીય યુવાનને ન્યૂમોનિયાની અસર થતાં તેમને વારસિયા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સોમા તળાવ પાસે આવેલ મલ્ટિસ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગોધરા રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય મહિલા દર્દીને શ્વાસ-ખાંસીની તકલીફ થતાં તેઓને સમા-સાવલી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં, જ્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબીબો દ્વારા સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન તેઓનું ગત મોડીરાત્રે મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના ગજેરા ગામે રહેતા ૫૭ વર્ષીય કોરોના સંક્રમિત થતાં તેમને સમા-સાવલી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. વાડી મોહંમદ તળાવ પાસે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધને ન્યૂમોનિયાની અસર હેઠળ તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તબીબો દ્વારા સઘન સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. સુભાનપુરા વૃંદાવન કોમ્પલેક્સ પાસે આવેલ પાર્ક એવન્યૂમાં રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધને કોરોનાની અસર થતાં તેમને સારવાર માટે કોવિડ-૧૯ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પાણીગેટ બાવામાનપુરા નૂરાની મસ્જિદ પાસે રહેતા ૫૭ વર્ષીયને કોરોના સંક્રમિત થતાં તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાતાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી એ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. યાકુતપુરા અજબડી મિલ સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા પપ વર્ષીય મહિલા દર્દી કોરોના સંક્રમિત થતાં ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. ડભોઈ તાલુકાના સુંદરપુરા ગામે રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાતાં પાણીગેટ વિસ્તારની મુસ્લિમ મેડિકેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. શહેરના આજવા રોડ મેમણ કોલોનીમાં રહેતા ૬૫ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર માટે ન્યુ વીઆઈપી રોડ પર આવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આણંદના ભાલેજ રોડ પર આવેલ તબક્કલ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય
વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેઓને શહેરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ તમામ મૃતકોના સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ અને દફનવિધિ કરવામાં આવી હતી.
૫ાલિકાના આસિ.એન્જિનિયર અને ડે. એન્જિનિયરનો કોરોના પોઝિટિવ
વડોદરા. કોરોના વાઈરસના સપાટામાં પાલિકાની ડ્રેનેજ વિભાગના આસિ. એન્જિનિયર અને વોર્ડ નં.૩ના ડે. એન્જિનિયર આવી જતાં બંને અધિકારીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે અન્ય સહકર્મચારીઓ તથા ઓફિસમાં કોરોનાનો ચેપ લાગવાની દહેશત વ્યાપી હતી. જો કે, ઉપરોક્ત બંને વિભાગના કર્મચારીઓમાં કોરોનાએ દેખા દેતાં ડ્રેનેજ વિભાગ અને વોર્ડ નં.૩ની કચેરી બે દિવસ બંધ રાખવામાં આવી છે અને ઓફિસ બિલ્ડિંગને સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોરોનામાં ઉપરાછાપરી દર્દીઓના મોત થતાં ખાસવાડી સ્મશાન ખાતે વેઈટિંગ
વડોદરા. શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મૃત્યુ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિ કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં ગત મોડી રાત્રે મૃતકોની અંતિમવિધિ માટેનું વેઈટિંગ ચાલી રહ્યું હતું. ગત મોડીરાત્રે ગોધરા, જંબુસર સહિત અન્ય દર્દીઓના ઉપરાછાપરી મોત થતાં આ તમામ
મૃતકોને કોરોના પ્રોટોકોલ મુજબ મોડી રાત્રે જ ખાસવાડી સ્મશાન ખાતે અંતિમવિધિ માટે આવી પહોંચતાં મૃતકોના સગાંઓને આખી રાત અંતિમવિધિ માટેની રાહ જાેવ પડી હતી, જેના લીધે મૃતક દર્દીઓના પરિવારજનોમાં છૂપો રોષ જાેવા મળ્યો હતો.