વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના નવા કેસોની સાથે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે, રાજકોટ, અમદાવાદ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં લોકલ કોરોના સંક્રમણમાં કોઈ ખાસ સુધારો જાેવા મળ્યો નથી. શહેર-જિલ્લામાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૪૩૨૧ શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૪૨૧૩ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૦૮ પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખયા ૧૩૦૫૬ પર પહોંચી હતી, જ્યારે આજે હોસ્પિટલોમાંથી કોરોનાની સારવાર લઈને સાજા થયેલા અને ડિસ્ચાર્જ થયેલા ૮૩ દર્દીઓ સાથે અત્યાર સુધીની કુલ સંખ્યા ૧૧૦૦૩ થઈ હતી. આજે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં દર્દીના મૃત્યુ થયાની જાહેરાત ન કરતાં કોરોનાનો મૃત્યુઆંક ૨૦૫ યથાવત્ રહ્યો હતો. હાલ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કુલ ૧૮૪૮ દર્દીઓ પૈકી ૧૬૧૩ની સ્થિતિ સુધારા પર, ૧૭૬ ઓક્સિજન પર, ૬૫ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો શહેરના તરસાલી, સવાદ ક્વાર્ટર્સ, સુદામાપુરી, વારસિયા, રામદેવનગર, કિશનવાડી, અકોટા, નવીધરતી, કપૂરાઈ, ગાજરાવાડી, ગોત્રી, દિવાળીપુરા, માણેજા, માંજલપુર અને જેતલપુર તેમજ તાલુકાના ગ્રામ્યના સયાજીપુરા, જવાહરનગર, સિંધરોટ, શેરખી, પાદરા, શિનોર, કરજણ સહિતના વિસ્તારોમાંથી કુલ ૪૩૨૧ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૪૨૧૩ નેગેટિવ અને ૧૦૮ પોઝિટિવ આવ્યા હતા. આજે આવેલા ૧૦૮ કોરોના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાંથી ૪૧, પૂર્વ ઝોનમાંથી ૨૧, ઉત્તર ઝોનમાંથી ૨૦, દક્ષિણ ઝોનમાંથી ૧૭ અને પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછા ૯ કેસો નોંધાયા હતા. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ફતેગંજની સિદ્ધાર્થ અને કરોડિયાની કપિલાદક્ષ હોસ્પિટલ સામે આક્રોશ
વડોદરા, તા.૧૧
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ કમાટીપુરામાં કોવિડ-૧૯ની સારવાર માટેની પરવાનગી આપતાં કમાટીપુરાના સ્થાનિક રહીશોમાં વિરોધ સાથે રોષ ભભૂકી ઊઠયો છે જેને લઈને લોકોએ આજે હોસ્પિટલની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કોવિડ-૧૯ હોસ્પિટલની મંજૂરી રદ કરવાની માગ કરી હતી. વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દેશ-વિશ્વને તેના ભરડામાં લીધો છે, જેને નેસ્તનાબુદ કરવા સમગ્ર તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, પણ હજુ સુધી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. વડોરદામાં રોજેરોજ ૧૦૦થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ પાલિકાના ચોપડે નોંધાઈ રહ્યા છે. બીજી તરફ હોસ્પિટલો પણ હાઉસફૂલ થતાં છેલ્લાં ઘણાં સમયથી ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારની મંજૂરી આપવામાં આવી રહી છે. જાે કે, ઘણી જગ્યાએ આ હોસ્પિટલો રહેણાંક વિસ્તારોમાં આવતી હોવાથી આસપાસના રહીશો વિરોધ કરી રહ્યા છે. ત્યારે શહેરના ફતેગંજ વિસ્તારના કમાટીપુરામાં આવેલી સિદ્ધાર્થ હોસ્પિટલ ઈન્ટેનસીવ હાર્ટકેર સેન્ટરને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવતાં સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઊઠયો છે, જેને લઈને સ્થાનિક રહીશોએ આજે હોસ્પિટલની બહાર એકત્ર થઈને તંત્ર સામે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોવિડ-૧૯ની મંજૂરી રદ કરવા માગ કરી હતી.એ જ પ્રમાણે, વડોદરા તાલુકાના કરોડિયા ગામે આવેલ કપિલાદક્ષ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પણ શરૂ કરવામાં આવેલ કોવિડ સેન્ટર બંધ કરવા સ્થાનિક સોસાયટીના રહીશોએ આજે આવેદનપત્ર આપી આરોગ્ય અમલદારને રજૂઆત કરી હતી અને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે મંજૂરીને રદ કરવા માટે સ્થાનિક રહીશોએ માગ કરી હતી.