ગાંધીનગર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનાં લીધે દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે, જેના કારણે નાગરિકોની સ્થિતિ કફોડી બની રહી છે. આવા કપરાં સમયમાં આપણા દેશની આરોગ્ય વ્યવસ્થાએ જવાબ આપી દીધો છે. કોરોનાની બીજી લહેર એ એટલી મોટી મુસિબત બનીને સામે આવી છે કે, જેણે સરકાર અને સરકારી તંત્રની કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓની મોટી મોટી વાતોની પોલ ખોલી દીધી છે. આ સમયમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ નથી, ઓક્સિજન સિલિન્ડર નથી, ત્યારે આવી ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સને લઇને ઘણા વિવાદો ઉભા થયા છે. જેને લઈને રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ અમદાવાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં આવેલા જ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાના સરકારી તંત્રના મનસ્વી ર્નિણય સામે સવાલો ઉભા કર્યા છે. નથવાણીએ પોતાના ટ્વીટમાં સીએમઓગુજરાત અને નીતિનભાઈ પટેલને ઉલ્લેખીને લખ્યુ છે કે, એક તરફ હોસ્પિટલો દર્દીઓથી છલકાઇ રહી છે અને તેઓ તેમની સેવા આપવા માટે તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તેઓએ દર્દીની સ્થિતિને પ્રવેશના માપદંડ તરીકે ધ્યાનમાં લેવી જાેઈએ અને દર્દી ૧૦૮ એમ્બ્યુલન્સ અથવા અન્ય કોઈ વાહન દ્વારા આવ્યા હોય કે નહીં તે તફાવત ન રાખવો જાેઈએ.