રાજ્યના ૨૦૬માંથી ૧૦૮ ડેમો સંપૂર્ણ ભરાંતા હાઈ એલર્ટ જાહેર

ગાંધીનગર ગુજરાતમાં સારા અને ભારે વરસાદના કારણે રાજ્યના ૨૦૬ ડેમમાંથી ૧૦૮ ડેમ છલકાઈ ગયા છે, જ્યારે ૪૪ ડેમ ૭૦થી ૧૦૦ ટકા ભરાતા તેને હાઇ એલર્ટ જાહેર કરાયા છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમમાં ૮૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજયમાં સરદાર સરોવર સહિત કુલ ૨૦૭ ડેમમાં ૮૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતમાં સારા અને ભારે વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશય (ડેમ)માંથી ૧૦૮ ડેમ સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે, જ્યારે ૪૪ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાઇ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત રાજ્યના ૨૦ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૧૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૬,૩૮૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૨,૫૦૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૭.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૧.૮૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૭૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં ૬૨ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૪૬ હજારની જાવક, વણાકબોરી જળાશયમાં ૨૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૬ હજાર ક્યુસેકની જાવક, કડાણામાં ૨૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૦ હજારની જાવક તેમજ ભાદર-૨માં ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૧૬ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૯૩ ટકા, કચ્છના ૨૦ ડેમમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૭ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ ડેમમાં અત્યાર સુધીમાં ૮૦ ટકાથી વધુ પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ ડેમમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ પણ જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution