જનધન યોજનાના ૧૦ વર્ષઃ ક્યા ખોયા, ક્યા પાયા?

આજથી દસ વર્ષ પહેલાં ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જનધન યોજનાની જાહેરાત કરીને એક મુક આર્થિક ક્રાંતિની પહેલ કરી હતી. આ એક અભૂતપૂર્વ અને અકલ્પ્ય પહેલ હતી. આઝાદી મળ્યાના દાયકાઓ સુધી દેશના કરોડો લોકો મુખ્ય નાણાકીય વ્યવસ્થાથી અજાણ અને અલિપ્ત હતાં. આ દાયકાઓ દરમિયાન અગાઉના કોઈ વડાપ્રધાને દેશના છેવાડાના લોકો તળિયાના લોકોને દેશની મુખ્ય આર્થિક વ્યવસ્થા સાથે જાેડવાનું વિચાર્યું નહોતું કે ન તો આ વિષયે ક્યારેય કોઈએ નક્કર પગલા લીધા હતાં.

અત્યંત સામાન્ય માણસ પાસે થોડીઘણી રકમ હોય તો પણ તે ક્યાં સાચવવી એક મોટો પ્રશ્ન રહેતો. સાચી વાત એ છે કે દેશના સામાન્ય લોકો પાસે કોઈ આર્થિક ચિંતન કે કોઈ આર્થિક આયોજન જ નહોતું. મોદીજીની આ જનધન યોજનાએ લોકોને નાણાકીય બાબતે, નાણાકીય સ્વતંત્રતા બાબતે વિચારતા કર્યા છે. આ એક અદભુત વાત છે અને તેની દુરોગામી અસરો હજી વધુ સ્પષ્ટ રીતે આવનારા સમયમાં જાેવા મળશે.

અહી મુખ્ય વાત લોકોને બેન્કનું પગથિયું ચડતા કરવાની હતી. દાયકાઓથી દેશના બહુમતી નીચલા વર્ગના એવી ગ્રંથી ઘર કરી ગઈ હતી કે બેન્ક સાથે લેણદેણ તો કેવળ ધનિક અને શિક્ષિત લોકો જ કરી શકે અને બેન્ક સેવાઓ કેવળ તેમના માટે અનામત હોય. મોદીની જનધન યોજનાએ બેન્કના પટ્ટાવાળાથી લઈને ઓફિસર સુધીના કર્મચારીઓને સામાન્ય લોકો સાથે સૌજન્યપુર્ણ રીતે વર્તતા શીખવાની ફરજ પાડી છે.

બેન્ક ખાતાઓ, નાની બચત યોજનાઓ, વીમા અને ક્રેડિટ સહિતની સાવર્ત્રિક, સસ્તી અને ઔપચારિક નાણાકીય સેવાઓ પૂરી પાડીને જે અગાઉ બેંક સાથે જાેડાયેલા ન હોય તેવા લોકોને પીએમ જનધન યોજનાએ છેલ્લા એક દશકામાં બેન્કિંગ સાથે જાેડીને દેશના બેન્કિંગ અને નાણાકીય ચિત્રને બદલી નાખ્યું છે. જનધન ખાતાઓ ખોલીને દેશના ૫૩ કરોડ નવા લોકોને બેન્કિંગ સિસ્ટમમાં લઈ આવવામાં આવ્યા છે. આ આંકડો નાનોસુનો નથી, પણ વિશ્વ વિક્રમ નોંધાવનારો છે. આ પહેલની સફળતા દેખાઈ રહી છે. જનધન યોજના થકી ૨.૩ લાખ કરોડ રૂપિયા દેશના નાણાકીય પ્રવાહમાં આવ્યા છે. જાે આવી યોજના ના હોત તો આ પૈસા લોકોની પેટીમાં પડ્યા રહ્યા હોત. આ નવી ડિપોઝિટના કારણે ૩૬ કરોડ જેટલા ફ્રી ઓફ કોસ્ટ કાર્ડ ઇસ્યુ થયા છે. તેના દ્વારા રૂપિયા બે લાખનો અકસ્માત વીમો કવચ મળે છે. જાેવા જેવી વાત એ છે કે આ ખાતું ખોલવા માટે કોઈ રકમ બેન્કમાં મુકવાની જરૂરત ન હોવાથી વધુને વધુ લોકો બેન્ક સાથે જાેડાયા છે અને નવી ડિપોઝિટો લઈને આવી રહ્યાં છે.

જાેકે કોઈ પણ આર્થિક સુધારાને સામાજિક સુધારા અને શિક્ષણ પ્રથામાં સાચી દિશાના અર્થપૂર્ણ સુધારાનો ટેકો ન હોય તો તેવા આર્થિક સુધારા વાસ્તવમાં ફળદાયી રહેતા નથી. જનધન યોજના સાથે પણ મોટાભાગે આવું જ થયું છે. એક વિરાટ અભિયાનની જેમ રાતોરાત એટલે કે ઘણા નજીવા સમયમાં કરોડો નવા બેન્ક ખાતા ખોલી નાખવામાં આવ્યાં. પરંતુ આ લોકોમાંથી બહુ ઓછા લોકો ખરેખર વાસ્તવિક બેન્કિંગમાં સક્રિય થયાં. આ યોજના અંતર્ગત ૫૩ કરોડ ઉપરાંત સંખ્યામાં ખાતા ખોલ્યાં હોવા છતાં તે પૈકીના મોટા ભાગના ખાતા નિષ્ક્રિય છે. આવા ખાતાધારકો કોઈ નવી આર્થિક પ્રવૃત્તિમાં જાેડાયા નથી. કરોડો ખાતા ખુલી ગયા પણ તેમાં સક્રિય વહેવારોની શરૂઆત ન થતા બેન્કોએ હવે કેવળ આ ખાતા વહિવટી રીતે મેન્ટેઈન કરવાનો બોજ ઉપાડવાનો રહે છે. ખાતા ખોલી નાંખવા તે એક વાત છે અને પછાત પ્રકારના લોકોને સાચા અર્થની ધંધાદારી પ્રવૃત્તિ સાથે જાેડવા એ બીજી વાત છે. એક રસપ્રદ વાત એ છે કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એવા લોકોમાં જે આર્થિક રીતે સંપન્ન એવો વર્ગ છે તે પણ હજી ઔપચારિક બેન્કિંગનો નહિવત ઉપયોગ કરે છે. આમાં મોટાભાગનું કામ કોઈ નોંધ વગર થતું હોય છે.

સાચી જે જરૂરિયાત છે તે લોકોને પોતાના ખુદના ધંધા માટે ભાવનાત્મક અને બૌદ્ધિક સ્તરે સજ્જ કરવાની છે. આપણી વર્ણવ્યવસ્થા મુજબ મર્યાદિત સમુદાયના લોકો જ મોટા ધંધા અંગે અથવા તો ધંધામાં નવી પહેલ અંગે વિચારતા હોય છે. આ સિલસિલો તોડવાની જરૂર છે. ધંધાદારી તકોને સમજવાની દ્રષ્ટિ કેળવવાની તાલીમ આપવી એ ઘણો વિકટ કામ છે અને તે ખરેખર તો પ્રચારનો વિષય જ નથી. પ્રજામાં અંદરખાને એક જાગૃતિ, વૈચારિક પ્રક્રિયાની શરૂઆત કરાવવાની જરૂર છે.

મોદીજીની સરકાર પહેલા પણ અગાઉની ઘણી સરકારોએ વિવિધ યોજના અંતર્ગત નાના માણસો માટે ધિરાણ બનાવવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ એ બધી યોજનાઓ દલાલો અને વચેટીયાઓમાં અટવાઈ ગઈ હતી. કોઈપણ સામાન્ય વ્યક્તિ પાસે થોડાઘણા પૈસા હોય તો પણ ગ્રામ્ય વિસ્તારોમાં દરેક વ્યક્તિ દરેક ધંધો કરી શકે તેવો સામાજિક માહોલ હોતો નથી. પોતાની પસંદગીની સ્ટાઇલમાં મૂછો રાખવામાં કે ઘોડી પર બેસવામાં પણ જાે કોઈ સમુદાયના લોકોએ મોટી સજા ભોગવવી પડતી હોય તો આવા લોકો ચાવીરૂપ ધંધાના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશી શકે? આ વાતાવરણ જ્યાં સુધી બદલાશે નહીં અને કોઈ પણ વ્યક્તિ પોતાની નવો ધંધો કરવા માટે સામાજિક રીતે મુક્ત હશે અને તેના માટે કોઈ પણ જાેખમ વગરનો ધિરાણ પ્રાપ્ત હશે તો વ્યક્તિ ધંધામાં ઝંપલાવવા તૈયાર થશે તે સ્વાભાવિક વાત છે. પરંતુ મોદી સરકાર આ માહોલ પેદા કરી શકી નથી.

 સ્ત્રીઓને ભરતગૂંથણ કે પાપડ વણવા જેવા ગૃહઉદ્યોગ ખોલવાની માનસિકતામાંથી બહાર લાવવાની જરૂરત છે. તે ઉપરાંત બહારના અનેક દેશોમાં હાલમાં નોકરી અને ધંધા માટે જે તકો ઊભી થઈ છે તે કેવળ આપણા સમાજનો ઉચ્ચ વર્ગ જ ઝડપી લે છે. સામાન્ય વર્ગના લોકો આ બાબત અંગે માહિતગાર અને સતર્ક બને તે માટે સરકારે ઘણું કરવાની જરૂર છે.

જાેકે તેમ છતાં એટલું ચોક્કસ કહેવું પડે કે જનધન યોજનાને નામે જે કંઈ થયું છે તેણે સામાન્ય લોકો માટે સ્વતંત્ર આર્થિક પ્રવૃત્તિના બીજ જરૂર રોપ્યા છે. આવનારા સમયમાં આ યોજનાના કારણે બેન્ક સાથે જાેડાયેલા લોકો ખાનગી ધિરાણકારો પાસેથી ધિરાણ મેળવતા બંધ થશે અને એક તબક્કે સામાન્ય પ્રજા રાક્ષસી વ્યાજની ચુંગાલમાંથી મુક્ત થશે. લોકોને ધંધો કરવાની પોતાની સ્વતંત્ર બચત અને મૂડી ઊભી કરવાની પ્રેરણા મળશે અને ટેવ પડશે. આપણે ઉદ્યોગ સાહસિકતાની વાત કરીએ છીએ તે નવા ઉદ્યોગ સાહસિકો પેદા કરવાની દિશામાં આ પગલો ભવિષ્યમાં અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution