ઉત્તરાખંડમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ૧૦ લોકોના મોત

નવીદિલ્હી: ઉત્તરાખંડમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ૧૦ લોકોના મોત થયા છે.

દર વર્ષે ઉનાળો આવતાની સાથે જ જંગલોમાં આગ ભભૂકી ઉઠે છે. આગને કારણે જંગલોનો નાશ થાય છે. છેલ્લા બે મહિનામાં ઉત્તરાખંડના ઘણા જંગલોમાં આગ લાગી છે. ઉત્તરાખંડની સાથે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના જંગલોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વખતે ઉત્તરાખંડમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ૧૦ લોકોના મોત થયા છે. આ સાથે અનેક સ્થાનિક લોકો અને વનકર્મીઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. જંગલમાં લાગેલી આગને કારણે ઉત્તરાખંડમાં સેંકડો હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિને ભારે નુકસાન થયું છે.

ઉત્તરાખંડમાં આગની મોટાભાગની ઘટનાઓ કુમાઉ વિભાગના જંગલોમાં થાય છે. એકલા ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જ જંગલમાં લાગેલી આગને કારણે ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યાં સુધી વરસાદ નહીં થાય ત્યાં સુધી આ આગ તેમના માટે મુશ્કેલી લાવશે. જંગલમાં લાગેલી આગને કારણે આસપાસના ખેતરો પણ તેનાથી પ્રભાવિત થાય છે. જંગલના પ્રાણીઓ પણ આગમાં બળીને મૃત્યુ પામે છે. આગને કારણે તાપમાન વધે છે. જેના કારણે ઉનાળાની ઋતુમાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉનાળાની ઋતુમાં પહાડો પર જતા પ્રવાસીઓ માટે જંગલમાં લાગેલી આગ મુશ્કેલીનું કારણ બની જાય છે. આગના કારણે હાઈવે અને રસ્તાઓ ખોરવાઈ ગયા છે. જેના કારણે કેટલાય કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થાય છે. આ સાથે જંગલમાં લાગેલી આગને કારણે ધુમાડો ફેલાય છે, જેનાથી આંખોમાં બળતરા થાય છે અને કાર ચલાવતી વખતે તકલીફ થાય છે. જેના કારણે અકસ્માતનો ભય રહે છે.પહાડોમાં લાગેલી આગને કારણે માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર અને હિમાચલના જંગલો પણ સળગી રહ્યાં છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારના ઘણા જંગલોમાં આગ લાગી હતી. રાજૌરીના જંગલોમાં લાગેલી આ આગ અનેક એકર જંગલની જમીનમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં છોડ અને વન્ય પ્રાણીઓને નુકસાન થયું છે. આગની આ ઘટનાથી સ્થાનિક લોકો પણ ચિંતિત છે.

હિમાચલના હમીરપુર જિલ્લાના જંગલોમાં પણ આગ લાગી રહી છે. આ આગ હવે જંગલોમાંથી થઈને ખેતરો તરફ આગળ વધી રહી છે. જંગલોના વૃક્ષો અને છોડની સાથે આ આગ હવે ગ્રામ્ય વિસ્તારોને પણ લપેટમાં લઈ શકે છે. સ્થાનિક લોકોએ આ મામલે સ્થાનિક પ્રશાસન પાસે મદદ માંગી છે.હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં જંગલમાં લાગેલી આગમાં ૭૫ વર્ષની એક મહિલા જીવતી સળગી ગઈ હતી. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. મૃતકની ઓળખ નિક્કી દેવી તરીકે થઈ છે, જે હમીરપુરના બગાઈતુ ગામની રહેવાસી છે. જંગલની આગ નિક્કી દેવીના ખેતરો સુધી પહોંચી ગઈ હતી, જેને તે ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે પોતે તેમાં ફસાઈ ગઈ અને જીવતી સળગી ગઈ. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. હમીરપુર જિલ્લામાં ૧૫ દિવસમાં જંગલમાં લાગેલી આગને કારણે મોતની આ બીજી ઘટના છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution