અમેરિકાનાં સુપર માર્કેટમાં  અંધાધુંધ ગોળીબાર,10નાં મોત

કોલોરાડો 
અમેરિકાના કોલોરાડોના એક સુપર માર્કેટમાં અંધાધુંધ ગોળીબાર થતાં એક પોલીસ અધિકારી સહીત દસ લોકોના મોત નીપજયા હતા. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ રીપોર્ટ મુજબ બોલ્ડરની સુપર માર્કેટમાં ઘસી આવેલા યુવકે અંધાધુંધ ગોળીબાર શરૂ કરતા નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સહીતનો સુરક્ષા કાફલો ઘસી પડયો હતો. સુપર માર્કેટની છત પર ત્રણ હેલીકોપ્ટરને ઉતારીને ઉપરથી પણ પોલીસનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.સમગ્ર સુપર માર્કેટને ઘેરી લેવામાં આવી હતી અને હુમલાખોરને શરણે થઈ જવા માઈક મારફત ચેતવણી આપવામાં આવી હતી.
આ હુમલાની ઘટના વખતે સુપર માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. હુમલાથી બચવા માટે બહાર જવા દોટ મુકી હતી અને તેમાં પણ અમુકના શરીરમાં ગોળી ઘુસી ગઈ હતી. હુમલામાં મોતને ભેટેલા લોકોમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે સમગ્ર હુમલાકાંડની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે તે પણ ઘાયલ થયો હોવાથી સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ કોઈ આતંકવાદી કૃત્ય છે કે કેમ અને હુમલા પાછળનો આશય શું હતો? તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
શુટઆઉટની આ ઘટનાને પગલે બાઈડેન તંત્ર પણ હચમચી ગયુ છે. આ બનાવ અંગે પ્રમુખ બાઈડેનને જાણ કરવામાં આવી છે. અને તમામ અપડેટથી વાકેફ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જયોર્જીયાના અટલાંટા ખાતે મસાજ પાર્લરમાં એક બંદુકધારીએ આઠ લોકોની હત્યા કરી હતી.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution