અમેરિકાના દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બરફના વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં લગભગ ૧૦ લોકોના મોત થયા છે.જ્યારે ૨૧૦૦થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. મિસિસિપી, અલાબામા, ફ્લોરિડા, જ્યોર્જિયા અને લુઇસિયાના સહિત ઘણા રાજ્યોએ ઈમરજન્સી જાહેર કરી છે. ઘણા વિસ્તારોમાં રેકોર્ડ હિમવર્ષાના કારણે સ્કૂલો અને સરકારી ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા અમેરિકાની નેશનલ વેધર સર્વિસએ ચેતવણી આપી હતી કે બરફના વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં ભારે હિમવર્ષા, કરા સાથે વરસાદ થઈ શકે છે. રસ્તાઓ બંધ થવાને કારણે અમેરિકાના ટેક્સાસથી ફ્લોરિડા સુધીનું જનજીવન થંભી ગયું છે. એવો અંદાજ છે કે હિમવર્ષા બંધ થયા પછી પણ રસ્તાઓ ખોલવામાં અને હવાઈ સેવાઓ શરૂ થવામાં ઘણા દિવસો લાગશે. ટેક્સાસમાં એક હાઇવે પર હિમવર્ષાને કારણે થયેલા અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે. અલબામામાં પણ વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા છે.