ખેતેશ્વર સ્વીટના માલિક પાસે ૧ કરોડની ખંડણી માગી

ભાજપા કોર્પોરેટરના ભાઈ એવા શહેરના ન્યુસમા રોડ પર આવેલી ખેતેશ્વર સ્વીટના માલિકને મોબાઈલ ફોન કરીને એક કરોડની ખંડણી માંગીને વારંવાર ધમકી આપવાના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભારે સતર્કતાપુર્વક સમગ્ર ઓપરેશન પાર પાડીને વેપારી પાસે ખંડણી વસુલ કરવા માટે પિસ્તોલ લઈને વડોદરામાં આવેલા રાજસ્થાનના રીઢા ગુનેગાર એવા પ્રહ્લલાદ બિશ્નોઈને આજે આબાદ ઝડપી પાડ્યો હતો. ખેતેશ્વર સ્વીટ દુકાનમાંથી નોકરીમાંથી કાઢી મૂકેલા પૂર્વ કર્મચારીએ ટીપ આપતા એક કરોડની ખંડણીની માગણી કરાઈ હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે મુળ રાજસ્થાનના વતની એવા ખેતેશ્વર સ્વીટ દુકાનના પૂર્વ કર્મચારીની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંને યુવકો પાસેથી એક પિસ્તોલ, છ જીવતા કારતૂસો અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે.

શહેર કોર્પોરેશનના વોર્ડ-૨ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના મોટા ભાઈ સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહિત સમા વિસ્તારની મંગલમૂર્તિ સોસાયટીમાં પત્ની અને પુત્ર વિક્રમ સાથે રહે છે તેમજ ન્યુ સમારોડ પર અભિલાષા ચોકડી પાસે ખેતેશ્વર ફરસાણ નમની દુકાન ધરાવે છે. ગત ૧૨મી તારીખના સાંજે સીતારામસિંહ ઘરેથી દુકાને જતા હતા તે સમયે તેમને અજાણી વ્યકિતએ ફોન કરી તેમનું નામ પુછ્યું હતું અને ત્યારબાદ એવી ધમકી આપી હતી કે ‘એક કરોડ રૂપિયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ કરા દુંગા ઐાર વિક્રમ કા કામ તમામ હો જાયેગા.’ જાેકે તેમણે આ ધમકીને ગણકારી નહોંતી અને ફોન કટ કરતાં તેમને ધમકી આપતો ટેક્સ મેસેજ કરાયો હતો. આ જ નંબર પરથી વારંવાર ફોન આવતા તેમણે ફોન ઉપાડતા તેમને ફરી ધમકી મળી હતી કે ‘પૈસો કા ઈંતજામ કર દો વરના ખુન કી નદિયા બહા દૂંગા.’

આ ધમકીભર્યા ફોન અંગે સીતારામસિંહે તપાસ કરાવી હતી જેમા તેમને જાણ થઈ હતી કે તેમની દુકાનમાં અગાઉ કામ કરતા રામનિવાસ ઉર્ફ શ્યામ ભંવરલાલ બિશ્નોઈ (બુધ્ધનગર,જાેધપુર, રાજસ્થાન)નું વર્તન બરાબર ન હોઈ તેમણે દુકાનમાંથી કાઢી મુક્યો હતો અને આ મુદ્દે તે નારાજ હતો જેથી આ ધમકીમાં તેની સંડોવણી હોવાની શંકા ગઈ હતી. જાેકે બે દિવસ બાદ ૧૪મી તારીખે તે દુકાનમાં હતા તે સમયે તેમને ફરી ફોન પર ધમકી અપાઈ હતી કે ‘ જાે બાત હુઈ હે વો બાત રખ લો ઐાર જાે બોલા હૈ વો કર, વરના બુરા હાલ હોંગા ઓર ઘર સે અર્થિયા ઉઠેંગી, ફોન રેકોર્ડ કરના હો તો કર લેના ’. એક કરોડની ખંડણી ના મળે તો પોતાને તેમજ પુત્રને મારી નાખવા માટે વારંવાર ધમકીભર્યા ફોન આવતા સીતારામસિંહે તેમના ભાઈ ભાજપા કોર્પોરેટર મહાવીરસિંહને સમગ્ર બનાવની જાણ કરી હતી. ધમકીભર્યા ફોનની ગંભીરતા જાેતા બંને ભાઈઓ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ દોડી ગયા હતા જયાં સીતારામસિંહની ફરિયાદના પગલે પોલીસે મોબાઈલ ફોન કરી ધમકી આપનાર અજાણી વ્યકિત સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

ખંડણી માટેની ફરિયાદમાં દુકાનના પુર્વકર્મચારી સામે શંકા વ્યક્ત કરવામાં આવી હોઈ ક્રાઈમ બ્રાન્ચે રામનિવાસની શોધખોળ શરૂ કરી અને તેને આજે સવારે સમા કેનાલ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેણે પ્રાથમિક પુછપરછમાં જ કબુલાત કરી હતી કે દુકાનની નોકરીમાંથી કાઢી મુકવાની અદાવતે તેણે તેના સાગરીત પ્રહ્લલાદ ઉર્ફ પીપી માંગીલાલ બિશ્નોઈ (ખેતાસરગામ, જાેધપુર, રાજસ્થાન)નો રાજસ્થાનમાં સંપર્ક કર્યો હતો. તેણે પીપીને ખેતેશ્વર સ્વીટના માલિકની આર્થિક સધ્ધરતાની જાણ કરી હતી અને તેમની પાસેથી એક કરોડની ખંડણી માગવા માટે ટીપ આપી હતી. તેણે એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે પ્રહ્લલાદ ઉર્ફ પીપી આજે તેને મળવા માટે વડોદરા આવવાનો છે અને તેઓ પંડ્યા બ્રિજ પાસે ભેગા થવાના છે તેમજ પીપી પિસ્તોલ લઈને અત્રે આવવાનો છે. ખંડણીની માગણી કરનાર રાજસ્થાનનો બિશ્નોઈ યુવક પિસ્તોલ સાથે અત્રે આવવાનો હોવાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રહ્લલાદને ઝડપી પાડવા માટે પંડ્યા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બપોરના સમયે તે પંડ્યા બ્રિજના નીચે આવતા જ ત્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગજડતી કરી હતી જેમાં તેના કમરના ભાગે પેન્ટના અંદર છુપાવેલી એક પિસ્તોલ અને પેન્ટના ખિસ્સામાંથી છ જીવતા કારતુસો મળી આવ્યા હતા. પોલીસે પ્રહ્લલાદ બિશ્નોઈ અને રામનિવાસ બિશ્નોઈની ધરપકડ કરી તેઓની પાસેથી પિસ્તોલ, છ કારતુસ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ૫૯,૧૦૦ રૂપિયાની મત્તા જપ્ત કરી હતી.

મારી નાખવાના ઈરાદે જ પિસ્તોલ લઈને આવ્યાની શંકા

પ્રહ્લલાદ બિશ્નોઈ ગત ૨૦૧૪ અને ૨૦૧૫માં જાેધપુરમાં ફાયરીંગ કરીને હત્યા કરવાના બે ગુનામાં સંડોવાયેલો છે. તેણે ખેતેશ્વર સ્વીટના માલિકને ફોન કરીને એક કરોડની ખંડણી માંગી હતી અને નાણાં નહી મળે તો વેપારી અને તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. આજે તે વડોદરામાં પિસ્તોલ અને છ જીવતા કારતુસો સાથે આવ્યો હોઈ તે વેપારી કે તેના પુત્ર પર ફાયરીંગ કરી મારી નાખવાના ઈરાદે જ આવ્યો હોવાની પોલીસને શંકા છે. જાેકે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડતા શહેરમાં ગંભીર ગુનો બનતા રહી ગયો હતો.

રામનિવાસ ધમકીની કેવી અસર થઈ છે તેની રેકી કરવા આવેલો

ખેતેશ્વર સ્વીટ દુકાનમાંથી કાઢી મુકાયેલા રામનિવાસે દુકાનમાલિક સીતારામસિંહનો બદલો લેવા માટે કાવત્રુ ઘડીને તેના સાગરીત પ્રહ્લલાદને ખંડણી માટે ટીપ આપી હતી જેના પગલે પ્રહ્લલાદે વારંવાર ફોન કરીને ધમકી આપી હતી. જાેકે સીતારામસિંહે ખંડણી માટે કોઈ પ્રત્યુત્તર આપ્યા ન હોઈ તેમને અપાયેલી ધમકીની કેવી અસર થઈ છે તેની રેકી કરવા માટે રામનિવાસ ઠેક રાજસ્થાનથી અત્રે આવ્યો હતો અને તેણે સમારોડ પર દુકાનની આસપાસ રેકી કરી હતી. જાેકે તે રેકી કરીને સમા કેનાલ પાસેથી પસાર થતો હતો તે સમયે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સોર્સના આધારે તેને ઝડપી પાડ્યો હતો.

રામનિવાસે દૂરથી ઈશારો કરતાં જ પ્રહ્‌લાદને ઝડપી લેવાયો

રામનિવાસને નોકરીમાંથી કાઢી મુકવા છતાં તેણે વીસ દિવસ પહેલા ખેતેશ્વર સ્વીટના માલિકને ફોન કરીને તેને ફરીથી નોકરી પર રાખવા માટે વિનંતી કરી હતી. જાેકે તેને ફરીથી નોકરી પર રાખવાનો સ્પષ્ટ ઈનકાર થતાં તેણે દુકાનદાર પાસેથી નાણાં પડાવવા માટે માથાભારે પ્રહ્લલાદને મ્હોરુ બનાવ્યું હતું. જાેકે રામનિવાસ પહેલા ઝડપાઈ જતાં તેણે પ્રહ્લલાદ પિસ્તોલ લઈને પંડ્યા બ્રિજ નીચે ભરચક વિસ્તારમાં આવવાનો છે તેવી જાણ કરતા પોલીસે કોઈ પણ જાતનું રિસ્ક લેવાનું ટાળ્યું હતું. પોલીસે રામનિવાસને પંડ્યાબ્રિજથી થોડેક દુર પોતાની સાથે રાખ્યો હતો અને બપોરે પ્રહ્લલાદ પંડ્યા બ્રિજ નીચે આવતા રામનિવાસે ત્યાં ઉભેલી પોલીસને પ્રહ્લલાદને બતાવી ઈશારો કરતા જ પોલીસે તુરંત પ્રહ્લલાદને ઘેરીને ઝડપી પાડ્યો હતો અને પ્રહ્લલાદ તેના પેન્ટમાંથી પિસ્તોલ કાઢે તે અગાઉ તેના હાથ પકડીને પોલીસે પિસ્તોલ કાઢી લીધું હતું અને સલામત રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

પ્રહ્‌લાદ ફાયરિંગ કરે તેવી દહેશત

પ્રહ્લલાદ બિશ્નોઈ રીઢો ગુનેગારો હોઈ તે વડોદરા પોલીસથી બચવા માટે ભરચક વિસ્તારમાં ફાયરીંગ કરે તેવી દહેશત હોઈ પંડ્યા બ્રિજ નીચે પીઆઈ આર જી જાડેજા, પીએસઆઈ આર એન બારૈયા, એન જી જાડેજા, સી ડી યાદવ પણ ફાયરીંગના વળતા પ્રહાર માટે તૈયાર હતા જયારે પ્રહ્લલાદ કોઈ પગલુ ફરે તે પહેલા જ તેને ઝડપી પાડવા માટે સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, હિતેષકુમાર, બળદેવસિંહ, બીપીનભાઈ, હિરેનભાઈ, મોહિતરાજસિંહ, મયુરસિંહ, ઉદયસિંહ, જયરાજસિંહ અને રાજદીપસિંહ છુટાછવાયા ગોઠવાયા હતા અને પ્રહ્લલાદની ઓળખ છતી થતા તેને બચાવ કે ફાયરીંગની તક આપ્યા વિના ઝડપી પાડ્યો હતો.

પ્રહ્‌લાદ ઉર્ફ પીપીની રાજસ્થાનમાં હત્યાના બે સહિત ૧૦ ગુનામાં સંડોવણી

પોલીસે આજે પિસ્તોલ સાથે ઝડપી પાડેલા પ્રહ્લલાદ ઉર્ફ પીપી બિશ્નોઈ રાજસ્થાનનો માથાભારે રીઢો ગુનેગાર હોવાનું સપાટી પર આવ્યું છે. પીપી વિરુધ્ધ જાેધપુર તેમજ ચિત્તોડગઢ અને ઉદયપુરમાં ફાયરીંગ કરીને હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, લુંટ, મારામારી, કાવત્રુ રચીને ઠગાઈ, બોગસ દસ્તાવેજાે બનાવીને છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત કુલ ૧૦ ગુના નોંધાયેલા છે.

રાજસ્થાનના પ્રહ્‌લાદની ખૂનખાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેકશનની પણ તપાસ

તાજેતરમાં જાણીતા ફિલ્મસ્ટાર સલમાનખાનના ઘરની બહાર ફાયરીંગ કરીને ધમકી આપનાર હાર્ડકોર ક્રિમીનલ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ પણ રાજસ્થાનની વતની છે. બીજીતરફ વડોદરાના વેપારી પાસે ખંડણીની માગણી કરી પિસ્તોલ સાથે ઝડપાયેલો પ્રહ્લલાદ ઉર્ફ પીપી પણ રાજસ્થાનના જાેધપુરનો હોઈ અને તે પણ બિશ્નોઈ સમાજનો હોઈ તેની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ કનેકશન છે કે કેમ ? તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution