સુરત-
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટાં શહેરોમાં ખુલ્લેઆમ ચાલતાં ડ્રગ્સ માફિયાઓનું રાજ ચાલી રહ્યું છે. દારૂના અડ્ડાઓ શોધતાં યુવાનો હવે ડ્રગ્સના રવાડે ચડ્યાં છે. 1 કરોડના MD ડ્રગ્સ મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે થોડા દિવસો અગાઉ મુખ્ય આરોપી ફાક અહેમદ ઉર્ફે અફાક બાવાની ધરપકડ કરી હતી. ત્યારે હવે સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં વર્ષોથી ડ્રગ્સ મળતું આવ્યું છે. શહેરના યુવાનો દિવસેને દિવસે પાઉડર, ગોળી અને ગાંજા સહિતના નશીલા પદાર્થોનું સેવન કરતા થયા છે. મેથામેફટામાઇન અને મિથાઇલ ડાયમેકિસ(MD)નામના સફેદ કે કોફી રંગના પાઉડર સ્વરૂપના ડ્રગ્સનું સેવન સ્કૂલ અને કોલેજોના યુવાનો કરી રહ્યા છે. મેક્રાડોન અને એમડી નામનું ડ્રગ્સ હવે મોંઘાદાટ હેરોઇન અને કોકેઇનનો પર્યાય બની ચૂક્યા છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ તે માત્ર આવા ખેપિયાઓ સુધી સીમિત રહી છે. શહેરમાં વર્ષોથી ડ્રગ્સ મળતુ આવ્યું છે જે સુરતમાં નશાખોરીનું ચિત્ર સ્પષ્ટ કરે છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી તો સરાહનીય છે પરંતુ ગુજરાતમાં આ ડ્રગ્સ આવે છે ક્યાંથી?
આર્થિક રીતે દિવસેને દિવસે વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતનું મોટાભાગનું યુવાધન આગામી વર્ષોમાં પતન થઈ જાય તો નવાઈ ન અનુભવતાં. હજુ ગુજરાતના વાલીઓ સંતાનોને દારૂથી દૂર રાખવા મથી રહ્યા છે ત્યાં તો ધ્યાને આવ્યું કે દર વર્ષે અંદાજે 10 હજાર કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. રાજ્યમાં ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોના સંતાનો ડ્રગ્સ લેવામાં મોખરે છે. દારૂમાં આબરૂ જવાનાં ડરે યુવાનો ડ્રગ્સ લેવાનું વધુ પસંદ કરે છે.